BREAKING NEWS

જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજે છેલ્લો દિવસ, ભવનાથ મંદિરે વહેલી સવારથી ભાવિકોની લાંબી કતાર, હર હર મદાદેવનો નાદ ગુંજ્યો

  • February 15, 2026 03:21 PM 


જૂનાગઢ ખાતે ગિરનારની તળેટીમાં આવેલ પવિત્ર ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ મહામેળાને લઈને ભારે ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું છે. દર વર્ષે યોજાતા આ મેળામાં રાજ્યભરમાંથી તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભવનાથ દાદાના દર્શનાર્થે ઉમટી પડે છે. આ વર્ષે પણ ભાવિકોનું વિશેષ ઘસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગિરિ તળેટી માનવ મહેરામણથી છલકાઈ ઉઠી છે. દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે પણ ભક્તોની અવરજવર યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


મહાશિવરાત્રિ મેળાને ભવ્ય અને દિવ્ય બનાવવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. મેળા વિસ્તારમાં સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, તબીબી સેવા, પીવાનું પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓ સુલભ કરાવવામાં આવી છે. નાગા સાધુઓની શોભાયાત્રા અને પરંપરાગત નગર પ્રવેશ યાત્રાએ ભક્તોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું છે, જેમાં ઐતિહાસિક અને આધ્યાત્મિક દૃશ્યો નજરે પડ્યા હતા.


આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભવનાથ પ્રવેશદ્વાર નજીક આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે મેળાના સફળ આયોજન બદલ તંત્ર અને સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ભવનાથ મહાદેવ મંદિરની સત્તાવાર વેબસાઇટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું, જેના માધ્યમથી હવે વિશ્વભરના ભાવિકો લાઈવ દર્શનનો લાભ લઈ શકશે.


નાયબ મુખ્યમંત્રીએ ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે જણાવ્યું કે ગિરનારી પવિત્ર ભૂમિ પર યોજાતો આ મહામેળો માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતિક છે. ઓમ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર તળેટી ભક્તિમય બની ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application