ગુજરાતના વર્તમાન ડીજીપી વિકાસ સહાયને ગત જૂન મહિનામાં રાજ્ય સરકાર દ્રારા અંતિમ ઘડીએ ૬ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જેનો સમયગાળો આજે પૂર્ણ થઈ રહ્યો છે. વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે તેમને ફરીથી મુદત વધારો મળી શકે છે. પરંતુ, ગાંધીનગર કન્ટ્રોલરૂમ દ્રારા પોલીસ ભવનના સ્ટાફને ઉદ્દેશીને પરિપત્રિત કરાયેલા એક આંતરિક પત્ર બાદ હવે તેમની વિદાય નિશ્ચિત મનાઈ રહી છે. જોકે, સરકાર દ્રારા હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આજે સાંજ સુધીમાં કે.એલ.એન. રાવના નામની જાહેરાત થઈ શકે છે.
સરકાર 'ઈન્ચાર્જ ડીજીપી' ની વ્યવસ્થા અપનાવી શકે
વિકાસ સહાયની નિવૃત્તિ બાદ તેમના અનુગામી તરીકે ડો. કે.એલ.એન. રાવનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેઓ ૧૯૯૨ની બેચના સિનિયર આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ સીઆઈડી ક્રાઈમના ડીજીપી તરીકે કાર્યરત છે. ભૂતકાળમાં તેમણે લાંબા સમય સુધી ગુજરાતની જેલોના વડા તરીકે પણ નોંધપાત્ર ફરજ બજાવી છે. ગાંધીનગરના વિશ્વસનીય સૂત્રોના દાવા મુજબ, રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે કાયમી નિમણૂક કરવાને બદલે 'ઈન્ચાર્જ ડીજીપી' ની વ્યવસ્થા અપનાવી શકે છે. આ સંજોગોમાં ડો.રાવને ઈન્ચાર્જ તરીકે રાયના પોલીસ દળની કમાન સોંપવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ છે. સરકાર આજે સાંજ સુધીમાં આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી શકે છે.
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકનું નામ પણ ચર્ચામાં
નવા ડીજીપી કોણ બનશે તેની અટકળો ચાલી રહી છે. જેમાં અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકનું નામ પણ ચર્ચામાં છે. જી.એસ.મલિક ૧૯૯૩ની બેંચના આઈપીએસ અધિકારી છે, એ પહેલાં તેઓ કેટલાંક વર્ષ માટે દિલ્હીમાં ડેપ્યુટેશન પર હતા. તેમને અમદાવાદના પોલીસ કમિશનર બનાવ્યા ત્યારથી જ ચર્ચા હતી કે આગામી સમયમાં મલિકને રાયના પોલીસવડા બનાવવામાં આવી શકે છે, કારણ કે અગાઉ શિવાનદં ઝા, આશિષ ભાટિયા સહિતના આઈપીએસ અધિકારી અમદાવાદ પોલીસ કમિશનરના પદે હતા, ત્યાર બાદ તેમને ગુજરાતના ડીજીપી બનાવાયા હતા, પરંતુ આ વખતે પરંપરા બદલાય શકે, એવું કહેવાય છે.
ડો.કે.એલ.એન.રાવ ઓકટોબર, ૨૦૨૭માં નિવૃત્ત થશે
ડીજીપી બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા ડો.કે.એલ.એન. રાવ ૧૯૯૨ની બેંચના આઈપીએસ અધિકારી છે. જી.એસ.મલિક કરતાં ડો. કે.એલ.એન.રાવ સિનિયર છે અને તેમને નિવૃત્તિને ૨૨ મહિનાનો સમય બાકી છે, જેથી ગુજરાત રાજ્યના ૩૦મા ડીજીપી તરીકે રાવની નિમણૂક થવાની શક્યતા છે. ત્યારે ડો.નીરજા ગોટરૂનું નામ પણ ચર્ચામાં છે. સૂત્રોના કહેવા મુજબ રાજ્યના નવા પોલીસ વડાની પસંદગી માટે ગુજરાત સરકાર ડીજીપી કક્ષાના અધિકારીઓનાં નામ યુપીએસસીની પેનલને મોકલતી હોય છે, જેમાં ડો.કે.એલ.એન.રાવ, જી.એસ.મલિક, ડો.નીરજા ગોટરૂ વગેરેનાં નામ લિસ્ટમાં હોઈ શકે છે. ડો.કે.એલ.એન.રાવ ઓકટોબર, ૨૦૨૭માં નિવૃત્ત થશે.
અહીં નોંધવું જરી છે કે ડો.રાવે જિલ્લા પોલીસવડા તરીકે હિંમતનગર, ખેડા, મહેસાણા જેવા જિલ્લાઓમાં નોકરી કરી હતી. ત્યારે રાજકોટ રેન્જ ડીઆઈજી અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. ઘણા સમય સુધી ગુજરાતની જેલોના વડા તરીકે રહી ચૂકેલા રાવ હાલમાં સીઆઈડી ક્રાઈમ અને રેલવેમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.