ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2026 માં લેવાનારી ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની અને ભરાયેલા ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. તારીખ 6 ડિસેમ્બર સુધી ફોર્મ સ્વીકારવામાં આવનાર હતા પરંતુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ફોર્મ ન ભર્યા હોવાની વ્યાપક રજૂઆતો મળ્યા પછી બોર્ડે તારીખ 10 ડિસેમ્બર સુધી મુદત લંબાવી હતી.
લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી
10 ડિસેમ્બર સુધી બોર્ડની પરીક્ષાના ફોર્મ ન ભરી શકેલા વિદ્યાર્થીઓ માટે લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી઼ તારીખ 11 થી 14 અને તારીખ 15 થી 18 એમ અલગ અલગ બે તબક્કામાં લેઈટ ફ્રી અનુક્રમે રૂપિયા 250 અને રૂપિયા ૩૦૦ સાથે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજા તબક્કામાં રૂપિયા 300 ની લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની આજે અંતિમ તારીખ છે અને આવતીકાલથી તારીખ 22 સુધી રૂપિયા 350 ની લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે઼. તારીખ 22 પછી કોઈપણ પ્રકારની લેઈટ ફી સાથે પણ ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. જે વિદ્યાર્થીઓની માહિતી અપલોડ કરવાની બાકી છે તેવી માહિતી પણ તારીખ 22 સુધી શાળા કક્ષાએથી જ હવે થઈ શકશે઼. આવી જ રીતે જે વિદ્યાર્થીઓના ફોર્મમાં પ્રિન્સિપલ એપ્રુવલ બાકી છે તે પ્રક્રિયા પણ શાળા કક્ષાએથી જ થઈ શકશે.
બોર્ડના જણાવ્યા મુજબ દિવ્યાંગો અને વિદ્યાર્થીનીઓને પરીક્ષા ફી ભરવાની હોતી નથી. બોર્ડે તેને આમાંથી મુક્તિ આપી છે. પરંતુ નિયત સમય મર્યાદામાં જો કોઈ દિવ્યાંગ કે વિદ્યાર્થીનીએ ફોર્મ નહીં ભર્યા હોય તો તેવા કિસ્સામાં લેઈટ ફી ભરવામાંથી આ કેટેગરીના વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવી નથી અને તેમણે પણ વિલંબથી ફોર્મ ભરવા બદલ લેઈટ ફી ચૂકવવી પડશે.