રાજકોટમાં આગામી જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓને વેગ મળ્યો છે. લોકમેળામાં સ્ટોલ, ખાણીપીણી, મનોરંજનના સાધનો તેમજ વિવિધ વેપારી એકમો માટે અરજી કરવા ઇચ્છુક લોકો માટે ફોર્મ ઉપાડવાનો કાલે અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં કુલ ૩૨૫થી વધુ અરજદારોએ અરજીપત્રકો મેળવી લીધા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ૨૩ અરજદારોએ પોતાના ભરેલા ફોર્મ સત્તાવાર રીતે જમા પણ કરાવી દીધા છે.
દર વર્ષે રાજકોટ લોકમેળામાં વેપારીઓ અને મનોરંજનના સાધન સંચાલકો તરફથી મોટી સંખ્યામાં અરજીઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ શરૂઆતથી જ ફોર્મ લેવા માટે ઉત્સાહ જોવા મળ્યો છે. ફોર્મ મેળવવા માટે અરજદારોની અવરજવર સતત જોવા મળી રહી છે. વિવિધ કેટેગરીના સ્ટોલ તેમજ રાઈડ્સ માટે વેપારીઓ દ્વારા સમયસર અરજી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ, હજુ પણ મોટી સંખ્યામાં અરજદારો ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હોવાથી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે. તારીખમાં વધારો કરવામાં આવશે તો વધુ વેપારીઓને અરજી કરવાની તક મળશે. રાજકોટ લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી લોકપ્રિય અને આકર્ષણનું કેન્દ્ર ગણાતો મેળો છે. દર વર્ષે હજારો લોકો લોકમેળાની મુલાકાત લે છે અને વેપારીઓ માટે પણ આ મેળો વ્યવસાયની દૃષ્ટિએ મહત્વપૂર્ણ અવસર સાબિત થાય છે. વહીવટીતંત્ર દ્વારા પારદર્શક રીતે ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આવતા દિવસોમાં ફોર્મ જમા કરાવનાર અરજીઓની ચકાસણી, અન્ય નિર્ધારિત પ્રક્રિયા મુજબ સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. બીજી તરફ, સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ, સ્વચ્છતા અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે પણ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.