ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (ઈએફટીએ) વચ્ચેનો મુક્ત વેપાર કરાર (ટીઈપીએ) આજથી અમલમાં આવ્યો છે. જે આગામી 15 વર્ષમાં ભારતમાં 100 બિલિયન ડોલર વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ)નું વચન આપે છે. આ કરાર પર દસ માર્ચ, 2024ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઈએફટીએમાં સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેંસ્ટાઇનનો સમાવેશ થાય છે.
14-પ્રકરણનો કરાર ટેરિફ ઘટાડો, સેવા ક્ષેત્રમાં ઉદારીકરણ, બૌદ્ધિક સંપદા અધિકારો અને ટકાઉ વિકાસ જેવા પાસાઓનો સમાવેશ કરે છે. ઈએફટીએ એ 92.2 ટકા ટેરિફ લાઇન ખોલી છે, જે ભારતની 99.6 ટકા નિકાસને આવરી લે છે. ભારતે 82.7 ટકા ટેરિફ લાઇનનું ઉદારીકરણ કર્યું છે, જે ઈએફટીએની નિકાસના 95.3 ટકાને આવરી લે છે. ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો, ડેરી, સોયા, કોલસો અને વ્યાપક કૃષિ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
ભારતીય નિકાસકારોને પ્રોસેસ્ડ ફૂડ, ચોખા, ગુવાર ગમ, કઠોળ, દરિયાઈ ઉત્પાદનો, કાપડ, એન્જિનિયરિંગ માલ, રસાયણો અને મશીનરીમાં તકો મળશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઉચ્ચ-મૂલ્ય એન્જિનિયરિંગ ક્ષેત્રોને પણ લાભ થશે. સ્થાનિક ગ્રાહકોને હવે સ્વિસ ઘડિયાળો, ચોકલેટ, બિસ્કિટ અને ઘડિયાળો જેવા ઉચ્ચ-ગુણવત્તાવાળા માલ સસ્તા મળશે, કારણ કે આગામી 10 વર્ષમાં આના પરની આયાત જકાત ધીમે ધીમે દૂર કરવામાં આવશે.
ઈએફટીએએ પ્રથમ 10 વર્ષમાં 50 બિલિયન ડોલર અને આગામી પાંચ વર્ષમાં 50 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. આનાથી ભારતમાં 10 લાખ સીધી નોકરીઓનું સર્જન થવાની ધારણા છે.
ભારતે 105 ક્ષેત્રો ખોલ્યા છે, જ્યારે ઈએફટીએ દેશોએ 107થી 128 વિવિધ ક્ષેત્રોમાં પ્રતિબદ્ધતાઓ કરી છે. આ કરાર નર્સિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી અને આર્કિટેક્ચર જેવા વ્યાવસાયિક ક્ષેત્રોમાં મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ્સને સક્ષમ બનાવશે. આઈટી, વ્યવસાય સેવાઓ, શિક્ષણ, સાંસ્કૃતિક અને ઑડિઓ-વિઝ્યુઅલ સેવાઓમાં નવી તકો ખુલશે.
૨૦૨૪-૨૫માં, ભારતની ઈએફટીએમાં નિકાસ ૧.૯૭ અબજ ડોલર અને આયાત ૨૨.૪૪ અબજ ડોલર હતી. કુલ દ્વિપક્ષીય વેપાર ૨૪.૪૧ અબજ ડોલર સુધી પહોંચ્યો, પરંતુ ભારતની વેપાર ખાધ ૨૦.૪૭ અબજ ડોલર હતી. ઈએફટીએમાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર સ્વિટ્ઝર્લૅન્ડ છે, જ્યાં તેની આયાતનો નોંધપાત્ર હિસ્સો સોનાનો છે.