BREAKING NEWS

હરિહર ચોક બંધ કરતા દિ'માં ૧૦ વાર ટ્રાફિકજામ

  • January 22, 2026 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૨માં પંચનાથ પ્લોટ અને સદર બજારમાંથી પસાર થતા હરિહર ચોકના વોંકળાનો સ્લેબ જમીનમાં બેસવા લાગ્યો હોવાની ફરિયાદો ઉઠતા આજથી છ મહિના પૂર્વે તાત્કાલિક સર્વે કરાવ્યા બાદ અહીં વોંકળા ઉપર નવો સ્લેબ ભરવા ત્વરિત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ચાર મહિના પૂર્વે કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું હતું. કામ સોંપતા સાથે જ હરિહર ચોકથી ચૌધરી હાઇસ્કુલ ચોક તરફ જતો રસ્તો બંધ કર્યો છે જેને ચાર મહિના વીતી ગયા છે અને ત્યારથી દરરોજ દિવસમાં દસ વખત હરિહર ચોકમાં ટ્રાફિક જામ સર્જાઇ રહ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાથી ગોકળગાયની ગતિએ આ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને પૂર્ણ થતા હજુ આઠ મહિના લાગે તેમ હોવાનું મ્યુનિ.સૂત્રોમાંથી જાણવા મળે છે. હરિહર ચોકનો આ રસ્તો બંધ થવાથી કાશી વિશ્વનાથ પ્લોટ, પંચનાથ પ્લોટ, સદર બજાર, ચૌધરી હાઇસ્કુલ ચોક, સર્કિટ હાઉસ રોડ, કસ્તુરબા માર્ગ, શ્રોફ રોડ, જામ ટાવર રોડ, સહિતના વિસ્તારોના હરિહર ચોકથી નિયમિત પસાર થતા રહીશો અને ખાસ કરીને દુકાનદાર વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હરિહર ચોકના વોંકળાનું કામ મહાનગરપાલિકાએ ક્યા ચોઘડિયે કામ શરૂ કર્યું છે તે પૂરું જ થતું નથી તેવો વસવસો વિસ્તારના રહીશો, દુકાનદાર વેપારીઓ અને હરિહર ચોકમાંથી નિયમિત પસાર થતા વાહનચાલકોએ ઠાલવ્યો હતો.


ક્યારેક તો કોઇક સાઇટ વિઝિટ કરો !

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હરિહર ચોકના વોંકળા ઉપર નવો સ્લેબ ભરવાનું તેમજ વોંકળા ફરતે નવી રિટેઇનિંગ વોલ બનાવવાનું કામ ચાર મહિનાથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે પરંતુ મ્યુનિ.કમિશનર, ડે.કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ કે મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓ કે કોર્પોરેટરો પણ ક્યારેય સાઇટ વિઝિટ માટે જતા ન હોય હોતા હૈ..., ચલતા હૈ...માફ્ક કામ ચાલી રહ્યું છે. કાનોકાન ચર્ચાતી વિગતો વચ્ચે થોડા દિવસ તો આ પ્રોજેક્ટનું કામ થોડા દિવસ બંધ પણ રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application