ગીરના રાજા ગણાતા સિંહો હવે જંગલની સીમાઓ ઓળંગીને રેવન્યુ વિસ્તાર અને દરિયાકાંઠા સુધી સ્થળાંતર કરી રહ્યા છે. આ દરમિયાન દીવના ઐતિહાસિક કિલ્લા નજીક દરિયાની ઊંડી ભેખડમાં એક સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સિંહ કેવી રીતે આટલી ઊંડી ભેખડમાં પડ્યો અને તેનું મોત કેવી રીતે થયું તે હવે તપાસનો વિષય છે.
દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
સિંહનો મૃતદેહ એવી કપરી જગ્યાએ ફસાયેલો હતો કે વન વિભાગ માટે તેને બહાર કાઢવો એક મોટો પડકાર હતો. દીવ કિલ્લા પાસે દરિયાની ખાડીમાં અંદાજે ૫૦ ફૂટ જેટલી ઊંડાઈએ સિંહનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનીકોએ વન વિભાગને કરી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતા જ ધારીના DCF વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના RFO એલ.બી. ભરવાડ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ક્રેનનો ઉપયોગ
ઊંડી ભેખડ અને દરિયાઈ પવન વચ્ચે સિંહના દેહને બહાર કાઢવા માટે અંતે ક્રેનની મદદ લેવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ વનવિભાગે સિંહના મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
મોતનું કારણ શું?
RFO ભરવાડના જણાવ્યા અનુસાર મૃતક સિંહ નર છે અને તેની ઉંમર અંદાજે 5 વર્ષની છે. મૃતદેહને તાત્કાલિક જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હાલ DCFના માર્ગદર્શન હેઠળ મોતનું સચોટ કારણ જાણવા માટેની તપાસ તેજ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે સિંહનું મૃત્યુ ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણોસર