BREAKING NEWS

કોટડા સાંગાણી, કુતિયાણા અને લાઠીના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી

  • October 11, 2025 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દિવાળીના તહેવારો આડે હવે આંગળીના વેઢે ગણાય જેટલા દિવસો જ બાકી છે તેવા સમયે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના દસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ વર્ગ-૨ ની બદલીના હુકમો કર્યા છે. જોકે આમાંથી મોટાભાગના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ પોતાની બદલી માટે સરકારમાં માગણી કરી હતી અને તેની માગણી મુજબ બદલી કરવામાં આવી હોવાથી આવા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ માટે તો દિવાળી સુધરી ગઈ હોય તેવો માહોલ છે.

આ હુકમમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી અને અમરેલી જિલ્લાના લાઠી ના તાલુકા પ્રાથમિક શાળાના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

કુતિયાણાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીગ્નેશ વણકરની બદલી છોટા ઉદેપુર કરવામાં આવી છે. કોટડા સાંગાણીના પી.જે કેરાલિયાની બદલી પોરબંદર જિલ્લાના કુતિયાણામાં કરવામાં આવી છે. લાઠીના વિજય જાદવ ની બદલી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં કરવામાં આવી છે.

આ ઉપરાંત ગાંધીનગરના દહેગામ કલોલ સાબરકાંઠાના પોશીના ખેડા જિલ્લાના મહેમદાબાદ નડિયાદ સાબરકાંઠાના પ્રાંતિજ અને મહેસાણા જિલ્લાના કડીના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા થોડા સમય અગાઉ જુલાઈ માસમાં પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની મોટાપાયે બદલીઓ કરવામાં આવી હતી. તેમાંથી ત્રણ અધિકારીઓની બદલીના હુકમો મૂળ અસરથી રદ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું શિક્ષણ વિભાગના નાયબ સચિવ દ્વારા જણાવાયું છે.

કુતિયાણા દહેગામ કલોલ પોશીના લાઠી નડિયાદ પ્રાંતિજ અને કડીના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ પોતાની બદલી માટે સરકારમાં વિનંતી કરી હતી અને તેમની વિનંતી મુજબ જ પોસ્ટિંગ આપવામાં આવ્યું હોવાથી આવા અધિકારીઓને સરકારની જોગવાઈ મુજબ ભથ્થું અને જોઇનિંગ ટાઈમ મળશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application