BREAKING NEWS

ડાંગના વઘઈમાં સાંબેલાધાર વરસાદઃ માત્ર 8 કલાકમાં સાડા બાર ઈંચ ખાબક્યો; ઘરોમાં કમર સુધીના પાણી ભરાયા

  • July 03, 2026 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ અત્યંત સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા મુજબ, આજે સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીના માત્ર આઠ કલાકના ટૂંકા ગાળામાં જ રાજ્યના અનેક તાલુકાઓ પાણી-પાણી થઈ ગયા છે. ખાસ કરીને ડાંગ, સુરત, તાપી અને નવસારી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.  રાજ્યમાં સૌથી ગંભીર સ્થિતિ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં જોવા મળી છે, જ્યાં માત્ર આઠ કલાકમાં જ ૩૧૭ મીમી (૧૨.૪૮ ઇંચ) જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. 


વઘઇમાં સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ના બે કલાક દરમિયાન જ ૧૪૩ મીમી વરસાદ નોંધાયો હતો. આ જ પ્રમાણે સુરતના અંબિકા વિસ્તારમાં 262 મીમી (૧૦.૩૧ ઇંચ) અને તાપીના ડોલવણમાં ૨૪૫ મીમી (૯.૬૫ ઇંચ) વરસાદ ઝીંકાતા સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લાના વાંસદામાં ૨૨૭ મીમી (૮.૯૪ ઇંચ) અને ચીખલીમાં ૨૧૯ મીમી (૮.૬૨ ઇંચ) વરસાદ પડ્યો છે, જેમાં ચીખલીમાં સવારે છ થી દસ વાગ્યાની વચ્ચે જ ૨૦૦ મીમી (આઠ ઈંચ) વરસાદ તૂટી પડ્યો હતો.  


વલસાડ જિલ્લાના મુખ્ય મથકે પણ સવારના શરૂઆતના બે કલાકમાં જ ૧૫૫ મીમી સહિત કુલ ૧૯૩ મીમી (૭.૬ ઇંચ) વરસાદ નોંધીને જળમગ્ન પરિસ્થિતિ ઊભી કરી છે.  


જ્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પૂર જેવી સ્થિતિ છે, ત્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ધીમી પણ મક્કમ શરૂઆત થઈ છે. ખેડાના નડિયાદમાં ૫૯ મીમી (૨.૩૨ ઇંચ), આણંદના સોજિત્રામાં ૪૦ મીમી અને સાબરકાંઠાના તાલોદમાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. વડોદરાના દેસરમાં ૧૭ મીમી અને ગાંધીનગરના દહેગામમાં ૧૮ મીમી વરસાદ નોંધાયો છે. વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદવાળા તમામ તાલુકાઓમાં એલર્ટ જાહેર કરીને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.  

રાજ્યના આરોગ્ય વિભાગની યુદ્ધના ધોરણે તૈયારીઓ

સમગ્ર રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ અત્યારથી જ યુદ્ધના ધોરણે એક્શન મોડમાં આવી ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વલસાડના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને જિલ્લાની આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી અને તંત્રને સતત એલર્ટ રહેવા સૂચના આપી હતી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત વલસાડ અને નવસારી જિલ્લામાં આરોગ્યની ટીમોને તૈનાત રહેવા જણાવ્યું છે, જેથી પૂરના પાણી ઓસરતાની સાથે જ કોઈપણ સમય બગાડ્યા વિના તાત્કાલિક ધોરણે ફિલ્ડમાં જઈ ઝાડા-ઉલ્ટી, કમળો અને કોલેરા જેવા રોગોને નિયંત્રણમાં લેવાની કામગીરી શરૂ કરી શકાય અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.


વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફની ટીમ તૈનાત

વલસાડ શહેરના પૂર ગ્રસ્ત વિસ્તાર અને ઔરંગા નદીની પરિસ્થિતિનું એનડીઆરએફની ટીમે નિરીક્ષણ કર્યું હતું. ઔરંગા નદીમાં સામાન્ય પ્રવાહી નદી વહી રહી છે. જ્યારે વલસાડ શહેરમાં સવારે છ થી દસ દરમ્યાન ચાર કલાકમાં પડેલા સાત ઇંચ વરસાદને લઈને વરસાદી પાણીનો ભરાવો થયો છે.


વાંસદાના ગાંધીનગર ફળિયામાં 30થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા

નવસારી જિલ્લાના વાંસદા ટાઉનના નીચાણવાળા વિસ્તાર એવા ગાંધીનગર ફળિયામાં કમર સમાં પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે 30થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે. વરસાદી આફત વચ્ચે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થતાં સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતીના ભાગરૂપે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.


વલસાડ જિલ્લામાં સ્ટેટ હાઈવે સહિતના 27 જેટલા રસ્તાઓ બંધ

લસાડના દરિયાકાંઠાના અને નીચાણવાળા છીપવાડ વિસ્તારમાંથી આશરે 500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરણ કરવામાં આવ્યા છે. આ અસરગ્રસ્તો માટે આશ્રયસ્થાનો (શેલ્ટર હોમ) તૈયાર કરી ત્યાં રહેવા, જમવા તેમજ જરૂરી તબીબી સારવારની તમામ સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પાણી ફરી વળવાના કારણે સ્ટેટ હાઈવે સહિતના 27 જેટલા રસ્તાઓ બંધ કરી દેવાયા છે, જ્યારે નવસારીના વાંસદામાં 20 જેટલા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. ડાંગ જિલ્લો પહાડી વિસ્તાર હોવાથી ત્યાં લેન્ડસ્લાઈડ (ભૂસ્ખલન)ની ઘટનાઓને પગલે સાવચેતીના ભાગરૂપે અમુક રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application