BREAKING NEWS

થરાદમાં રાત્રે કાળોકેર વર્તાયો.... ખેત તલાવડીમાં નાહવા પડેલા બે રાજસ્થાની યુવકોના ડૂબી જતા મોત

  • May 29, 2026 09:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરણપુરા ગામે ગત રાત્રે હૃદયદ્રાવક ઘટના બની હતી. ગામમાં આવેલી એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે રાજસ્થાની યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા. એક મિત્રને ડૂબતો બચાવવા જતાં બીજો મિત્ર પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર કરણપુરા પંથક સહિત મજૂર પરિવારોમાં ભારે ગમગીની અને શોકનું મોજું ફરી વળ્યું હતું.

મળતી વિગતો અનુસાર, થરાદના કરણપુરા ગામે આવેલ એક સ્થાનિક ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરતા કેટલાક શ્રમિકો રાત્રિના સમયે ખેત તલાવડી નજીક ગયા હતા. આશરે ૧૦ વાગ્યાની આસપાસ મજૂરો ખેત તલાવડીની પાળ પર બેસીને નાહી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક યુવકનો પગ લપસી ગયો હતો અને તે સીધો તલાવડીના ઊંડા પાણીમાં ખાબક્યો હતો. પોતાની નજર સામે મિત્રને ડૂબતો જોઈ, તેને બચાવવાના આશયથી બીજો યુવક પણ તાત્કાલિક પાણીમાં કૂદ્યો હતો. જો કે, કમનસીબે પાણી ઊંડું હોવાને કારણે બંને યુવાનો જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી બંનેના મોત થયા હતા.

આ દુર્ઘટનામાં ભોગ બનેલા બંને યુવાનો મૂળ પાડોશી રાજ્ય રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની હતા અને અહીં ખેતમજૂરી અર્થે આવ્યા હતા. મૃતકોમાં માજીરાણા અરવિંદ હરિરામભાઈ અને માજીરાણા પ્રકાશ કેવળરામનો સમાવેશ થાય છે. બંને રાજસ્થાનના બાડમેરના રહેવાસી હતા. ફાયર બ્રિગેડની ટીમે 40 મિનિટ બાદ બંનેની ડેડબોડી બહાર કાઢી પીએમ અર્થે પોલીસને સોંપી હતી. પીએમ થયા બાદ બંન્નેના મૃતદેહો સાથે પરિવારજનો રાજસ્થાન જવા રવાના થયા હતા.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને ફાયર ઓફિસર વિરમજી રાઠોડની આગેવાનીમાં ફાયરની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે મધ્યરાત્રિએ જ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ અંધારામાં જ તલાવડીના ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરી હતી. આશરે ૪૦ મિનિટની ભારે જહેમત અને કડક રેસ્ક્યુ ઓપરેશન બાદ બંને યુવાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

તલાવડીમાંથી બહાર કાઢવામાં આવેલા બંને યુવાનોના મૃતદેહોને સ્થાનિક પોલીસની મદદથી પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ મૃતકોના રાજસ્થાન સ્થિત પરિવારોને કરાતા તેઓ પણ રાતોરાત થરાદ દોડી આવ્યા હતા. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પોલીસે મૃતદેહો વાલીવારસોને સોંપ્યા હતા. પોતાના આશાસ્પદ જુવાનજોધ દીકરાઓના મૃતદેહ જોઈને પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ ગમગીન માહોલમાં પરિવારજનો બંને મૃતદેહોને લઈને પોતાના વતન રાજસ્થાન જવા રવાના થયા હતા. પોલીસે આ મામેલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application