BREAKING NEWS

એક ભાઈની હત્યા, બીજા પર ખૂની હુમલાના બે આરોપીને આજીવન કેદ, રાજકોટમાં 9 વર્ષ પહેલાના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો

  • August 05, 2026 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ પુનિતનગર ગોળાઈ પાસે તા. 29/ 12/ 2017ના રોજ બાઈક સામસામે ભટકાવા જેવી નજીવી બાબતે થયેલી મારામારીમાં જયરાજસિંહ જાડેજાનું ખૂન અને તેમના ભાઈ ઋતુરાજસિંહ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં એડિશનલ સેશન્સ જજ *મઆઈ.બી. પઠાણે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.


કેસની હકીકત મુજબ, ફરિયાદી ઋતુરાજસિંહ ભુપતસિંહ જાડેજા અને મિત્ર સમર્થસિંહ બુલેટ પર જઈ રહ્યા હતા ત્યારે માતાનો ફોન આવ્યો કે ભાઈ જયરાજસિંહને અકસ્માત થયો છે. ઘટનાસ્થળે પહોંચતા બાઈક સામસામા અથડાવવા બાબતે આરોપી અજયસિંહ પ્રદ્યુમનસિંહ વાળા સાથે જયરાજસિંહનો ઝઘડો ચાલી રહ્યો હતો. વચ્ચે પડેલા ઋતુરાજસિંહ પર અજયસિંહે છરીથી હુમલો કર્યો. ભાઈને બચાવવા આવેલા જયરાજસિંહને છાતીમાં છરીનો ઘા ઝીંકી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ધનરાજસિંહ ઉર્ફે ઠેડો બલવીરસિંહ જાડેજાએ પણ પથ્થરથી હુમલો કર્યો હતો. બંને ઇજાગ્રસ્ત ભાઈઓને સિવિલ હોસ્પિટલે ખસેડતા ડોક્ટરે જયરાજસિંહને મૃત જાહેર કર્યા હતા.


ઇજાગ્રસ્ત ઋતુરાજસિંહ ભુપતસિંહ જાડેજાની ફરિયાદ ઉપરથી ગાંધીગ્રામ પોલીસે અજયસિંહ પ્રદ્યુમનસિંહ વાળા અને ધનરાજસિંહ ઉર્ફે ઠેડો બલવીરસિંહ જાડેજા સામે હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. ત્યારથી જ આરોપીઓ નાસ્તા ફરતા હતા, દરમિયાન તા. 01/01/2018ના રોજ સરધાર આઉટ પોસ્ટ પાસેથી બંનેની ધરપકડ કરી હતી. આરોપી અજયસિંહ પેરોલ પર છૂટ્યા બાદ 723 દિવસ સુધી ફરાર પણ રહ્યો હતો.


આકેસની સુનાવણી દરમિયાન સરકારપક્ષે સ્પેશિયલ પી.પી. રક્ષિતભાઈ કલોલા અને ફરિયાદી વતી ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર સહિતની ટીમે 14 સાહેદોની જુબાની અને 46 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.


તમામ પુરાવા અને દલીલો ધ્યાને લઈ કોર્ટે બંને આરોપીઓને આઇપીસી 302, 307 હેઠળ દોષી ઠરાવી આજીવન સખત કેદ અને રૂ. 25,000 દંડ અને આઇપીસી 307 હેઠળ 10 વર્ષની સખત કેદ અને રૂ. 10,000 દંડ તથા જીપી એક્ટ 135(1) હેઠળ 4 મહિનાની કેદ અને રૂ. 1000 દંડનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર તરફે રક્ષિતભાઈ કલોલા અને ફરિયાદી પક્ષે ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, હુસૈનભાઈ હેરંજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, રહીમભાઈ હેરંજા, અંકિતભાઈ ભટ્ટ, દિપકભાઇ ભાટિયા, યુવરાજસિંહ ગોહિલ, પ્રેમરાજસિંહ પરમાર રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News