રાજકોટ શહેરના ભાવનગર રોડ પર મહિકા ગામના પાટિયા નજીક સોસાયટીમાં રહેતી પરણિતાના સગીર વયના બે પુત્રો ઘરેથી રમવા નીકળ્યા બાદ ઘરે પરત નહી ફરતા ભેદી સંજોગોમાં લાપતા થઈ જતા સગા સંબંધીઓમાં તપાસ કરતા બંને ની ભાડ નહીં મળતા અને તે માતાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો રાજકોટની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલા મહીકા ગામના પાટિયા નજીક રાધિકા રેસીડેન્સી શેરી નં.૨માં રહેતા ભાવનાબેન રાજેશભાઈ ડાંગર ઉં.વ.૩૩ વાળાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં તેના સગીર વયના બે પુત્રો ઘર નજીક રમવા ગયા બાદ એકાએક લાપતા થઈ જતા તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ પુત્ર મીત ઉં.વ.૧૩ અને પુત્ર કેવલ ઉં.વ.૧૧ના અપહરણ થયા અંગેની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણીને પતિ સાથે મનમેળ ન હોય પાંચ વર્ષથી અલગ રહે છે.
તેમજ બાળકો છેલ્લા ૧૧ માસથી ભાવનાબેન સાથે રહેતા હોય તે દરમિયાન ગત તા.૦૬/૧૧ના રાત્રિના સાડા અગિયાર વાગ્યા આસપાસ કેવલ અને મિત રમવા માટે બહાર ગયા હતા, અને ભાવનાબેનને માથામાં દુખાવો થતો હોવાથી તે સૂઈ ગયા હતા. માતા જાગ્યાબાદ બીજા દિવસે બંને પુત્રોને ઘરમાં ન જોવાથી સગા-સબંધી અને આજુબાજુમાં તપાસ કર્યા બાદ પણ મીત અને કેવલનો કોઈ હતો પતો નહીં લાગતા સગા સંબંધીઓ અને પરિવારજનોમાં બંનેની ભાળ મેળવવા તપાસ શરૂ કરી હતી.
પરંતુ બંને પુત્રો નહીં મળી આવતા ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ ભાવનાબેનના પતિ દારૂની કુટેવ ધરાવતો હોવાથી મન મેળ ન થતા દંપતી છેલ્લા પાંચ વર્ષથી અલગ રહે છે. તેઓને સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. એક પુત્રીના લગ્ન થઇ ચુક્યા છે અને બાકીના ચારેય પુત્ર-પુત્રી નણંદ પાસે રહેતા હતા. લાપતા થયેલા બંને બાળકો ૧૧ માસ પહેલા જ માતા પાસે રહેવા આવ્યા હતા. છેલ્લા ૩ દિવસથી લાપતા થયેલા બંને બાળકો મળી નહિ આવતા માતા પર આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાઈ છે.મહિલાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી બાળકોની શોધખોળ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બાળકોનું ખરેખર અપહરણ થયું છે કે કેમ? કે તેનો પિતા બંને બાળકોને લઈ ગયો ? તે અંગે આજીડેમ પોલીસ ચોકીના પીએસઆઇ સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.