રાજકોટ શહેરના નાનામવા પાસે ફાયરિંગ કરી યુવાનની હત્યા અને તેના કૌટુંબિક દાદાની હત્યાના પ્રયાસનો બનાવ હજુ તાજો જ છે ત્યાં શહેરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ નજીક સોમનાથ સોસાયટીમાં જમીનના પૈસાની લેતી દેતીમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે થયેલા ડખ્ખામાં સુરેશભાઈ બાલાભાઇ ધોળકિયા(ઉ.વ.૫૫) અને તેમના સગા ભાઇ રાજેશ ધોળકીયાની છરી અને પાઇપના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. સામાપક્ષે હત્યા કરનાર આરોપીને ગંભીર ઇજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવને લઇ રાત્રીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. બનાવ અંગે હત્યા અને હત્યાનો પ્રયાસ અને સામાપક્ષે પણ હત્યાની પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે.
હત્યાના બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૃતકના પુત્ર લાખાભાઇ સુરેશભાઈ ધોળકીયા (ઉવ ૨૪, રહે. રૈયાધાર બંસીધર પાર્ક શેરી નં -૧ પાણીના ટાંકાની પાછળ,રાજકોટ)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાર્દિક ધુળાભાઈ ધોળકિયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં પિતા સુરેશભાઈ બાલાભાઇ ધોળકીયા (ઉ.વ. ૫૫), માતા લીલુબેન સુરેશભાઈ ધોળકીયા (ઉ.વ. પ૨), મારી પત્નિ ભુમીબેન છે. યુવાન કુવાડવા રોડ ખાતે શિવ શક્તિ આટાની ચક્કી ધરાવી વેપાર કરે છે.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ગત તા. ૨૦/૦૭/૨૦૨૬ના રાત્રે એક વાગ્યે કાકા રાજેશભાઈ બાલાભાઈએ યુવકના પિતાને ફોન કરી જણાવ્યું હતું કે, મારો કૌટુંબિક સંબંધી હાર્દીક ધોળકીયા મારા ઘર પાસે આવી ગાળાગાળી કરે છે, જેથી તમે ઝડપથી આવો. જેથી યુવાન અને તેના પિતા કાર લઇ સોમનાથ સોસાયટી-૨ માં આવેલ કાકાના ઘર પાસે પહોંચ્યા હતા. અહીં યુવકના કાકા રાજેશભાઈ અને હનુભાઈ નાજાભાઈ ધોળકીયા તથા શિવાભાઈ નથુભાઇ ડોંડા હાજર હતા. જયારે સામાપક્ષે હાર્દિક સામે ઉભો રહી ગાળો બોલતો હતો. જેથી હનુકાકા તેમને સમજાવવા માટે તેની નજીક ગયેલ તો હાર્દિક વધારે ઉશ્કેરાઈ જઈ જોરજોરથી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી યુવાન તથા તેના કાકા રાજેશભાઈએ તેમના ઘર આગળ પડેલ લોખંડનો પાઇપ લઇ લિધેલ હતો અને બાદમાં યુવાન તથા તેના પિતા સુરેશભાઈ, કાકા રાજેશભાઇ હાર્દિકને ગાળો નહીં બોલવા અને માથાકુટ નહીં કરવા સમજાવવા જતા હાર્દિકે કહ્યું હતું કે, અમારો ભાગ કેમ આપતા નથી? તેમ કહી હાર્દિકે તેના પડખામાંથી છરી કાઢી યુવકના પિતા સુરેશભાઈના છાતીના ભાગે છરીનો એક જીવલેણ ઘા મારતા મારા પિતા ત્યા જ પડી ગયા હતા. જેથી તેમના કાકા રાજેશભાઈ વચ્ચે પડતા તેમને પણ છાતીના ભાગે, પડખાના ભાગે, છરીથી હાર્દિકે જીવલેણ ઇજા પહોંચાડી હતી. જેથી તેઓ પણ ત્યા જ પડી ગયા હતા.
બાદ યુવાન તેના પિતા અને કાકાને વધુ મારથી બચાવવા જતાં હાર્દિકે તેને પણ છરીના ઘા ઝીંકી દીધા હતા. મારામારીમાં હાર્દિક ધુળાભાઈ ધોળકીયાને પણ ઇજા થઇ હતી. મારા પિતા સુરેશભાઈ તથા કાકા રાજેશભાઈ શરીરે લોહીથી લથબથ થઇ નીચે પડેલ હોય તેમને કારમા નાખી તાત્કાલીક સારવાર અર્થે રૈયા રોડ પર આવેલી સેલસ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા. જયા તબીબે યુવાનના પિતાને મૃત જાહેર કરી દીધા હતા. જયારે તેના કાકાને જીવલેણ ઈજાઓ પહોંચી હોય તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન રાજેશભાઇએ પણ દમ તોડી દેતા બનાવ ડબલ મર્ડરનો બન્યો હતો.
ઘટનાને પગલે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ, એસીપી,યનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ સી.એન. દવે તથા ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમો બનાવસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી.
સાધુ વાસવાણી રોડ પરની જમીન વેચાયા બાદ ડખ્ખો શરૂ થયો હતો
હત્યાની ઘટનામાં મૃતકના પુત્રએ બનાવના કારણ અંગે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતા સુરેશભાઈ તથા કાકા રાજેશભાઇ બાલાભાઇ સાથે હાર્દિક ધુળાભાઇ ધોળકીયાને કૌટુંબીક મિલ્કતના ભાગ બાબતેનું મનદુ:ખ ચાલતું હતું. જે બાબતે હાર્દિક મારા પિતા અને મારા કાકા રાજેશભાઈ સાથે ફોનમાં ગાળાગાળી કરી ઝગડો કરતો હતો. દરમિયાન ગત મોડી રાત્રે તેણે કાકાના ઘરે ધસી જઈ ગાળાગાળી શરૂ કરી માથાકૂટ કરી પિતા અને કાકાને છરીના ઘા ઝીંકયા હતાં. મૃતક પક્ષે સાધુ વાસવાણી રોડ નજીક આવેલી જમીન વેચવામાં આવી હતી. જે જમીન વડીલોપાર્જિત હોય તેમાં ભાગ આપવા બાબતે માથાકૂટ શરૂ થઇ હતી.
હત્યા કરનાર હાર્દિકની ફરિયાદ પરથી સામેપક્ષે ચાર સામે ગુનો
સોમનાથ સોસાયટીમાં રાત્રીના ખેલાયેલા ખૂની ખેલમાં હાર્દિક ધુળાભાઇ ધોળકીયા(ઉ.વ.૨૭ રહે. વૈશાલીનગર શેરી નં.૪) ને વળતા હુમલામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો. તેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે સુરેશ ધોળકીયા, લાખા સુરેશભાઇ ધોળકીયા, રાજેશ બાલાભાઇ ધોળકીયા અને શિવા નથુભાઇ ડોડા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.