BREAKING NEWS

માતા-પિતા માટે લાલબત્તી...રાજકોટમાં માસૂમ ભાઈ-બહેન માટે સ્વિમિંગ પુલ બન્યો કાળ: રમતા-રમતા પાણીમાં પડતા બંનેના ડૂબી જવાથી મોત

  • March 30, 2026 06:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રૈયા ધાર વિસ્તારમાં આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક નેપાળી પરિવારના બે માસૂમ બાળકોના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.


રાજકોટ શહેરના રૈયા ધાર રોડ પર આવેલી ડ્રિમ સિટીની સામે 'સોપાન હાઈટ્સ' બિલ્ડિંગમાં આજે એક અત્યંત આઘાતજનક બનાવ સામે આવ્યો છે. બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી સગા ભાઈ-બહેનના મોત થયા છે. આ બંને બાળકો મૂળ નેપાળી પરિવારના હતા અને તેમના માતા-પિતા અહીં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે.


કેવી રીતે ઘટી ઘટના?

મળતી માહિતી અનુસાર, આ કરુણ ઘટના આજે બપોરે ૨.૩૦ થી ૩.૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી. નેપાળી શ્રમિક પરિવારના બે બાળકો, ૭ વર્ષનો દીપેશ અને ૫ વર્ષની દેપસીકા, બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં રમતા હતા. રમતા-રમતા બંને બાળકો અચાનક સ્વિમિંગ પુલ નજીક પહોંચી ગયા હતા. સ્વિમિંગ પુલની ઊંડાઈનો અંદાજ ન આવતા અથવા અકસ્માતે પગ લપસતા બંને માસૂમો પાણીમાં ખાબક્યા હતા. લાંબો સમય સુધી કોઈનું ધ્યાન ન જતાં બંને બાળકોના પાણીમાં ગૂંગળામણને કારણે મોત નિપજ્યા હતા


પરિવારમાં આક્રંદ અને પોલીસ કાર્યવાહી

બનાવની જાણ થતા જ સોપાન હાઈટ્સના રહીશો અને બાળકોના માતા-પિતા દોડી આવ્યા હતા. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી બંને બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ બંનેને 'બ્રોટ ડેડ' (મૃત જાહેર) કર્યા હતા.

ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતક બાળકો:

દીપેશ કરણભાઈ ભંડારી (ઉંમર વર્ષ 7)

દેપસીકા કરણભાઈ ભંડારી (ઉંમર વર્ષ 5)

મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.


માત્ર ૧૪ દિવસ પહેલા જ રાજકોટ આવ્યા હતા

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક બાળકોનો પરિવાર મૂળ નેપાળનો વતની છે. તેઓ રોજગારીની શોધમાં રાજકોટ આવ્યા હતા અને માત્ર ૧૪ દિવસ પહેલા જ સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં સફાઈ અને મજૂરી કામ માટે રહેવા આવ્યા હતા. હજુ તો પરિવાર અહીં સ્થિર થાય તે પહેલા જ કુદરતે તેમની પાસેથી બે વહાલસોયા સંતાનો છીનવી લેતા પરિવાર ભાંગી પડ્યો છે. પિતા સૂતા હતા અને માતા છઠ્ઠા માળે કામ કરી રહ્યા હતા ત્યારે આ કરૂણાંતિકા સર્જાઈ હતી. બંને બાળકોને આવતીકાલે નેપાળ મુકવા જવાના હતા અને આ માટે ટિકિટ પણ આવી ગઈ હતી. જોકે નેપાળ પહોંચે એ પહેલા જ બંને બાળકો મોતને ભેટતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે


સુરક્ષા સામે સવાલ?

આ ઘટનાએ બહુમાળી ઈમારતોમાં આવેલા સ્વિમિંગ પુલની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું સ્વિમિંગ પુલની આસપાસ યોગ્ય ફેન્સિંગ કે સુરક્ષા ગાર્ડ તૈનાત હતા? શું બાળકો ત્યાં પહોંચ્યા ત્યારે કોઈની નજર કેમ ન પડી? પોલીસ આ તમામ પાસાઓ પર બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તપાસીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application