રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક કાગદડી ગામના પાટિયા પાસે રાત્રીના અગિયારેક વાગ્યના અરસામાં કાર અને સ્કોર્પિયો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા માસીયાઈ 4 વર્ષ અને 9 મહિનાના બે બાળકોના કરુણ મોત નિપજ્યા છે. જયારે બે મહિલા સહિત પાંચને ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે બંને પરિવારમાં ઘરો કલ્પાંત સર્જાયો છે.
સ્કોર્પિઓ ધડાકાભેર કાર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ બેડી વાછકપર ગામે રહેતા અજયભાઈ બાબરીયા (આશરે ઉ.વ.30) અને પુત્ર મોક્ષ (ઉ.વ.4) તેમજ વાંકાનેર રહેતા તેના સાઢુભાઈ અનિલભાઈ મદરેસાણીયા (આશરે ઉ.વ.38) તેમના પત્ની, નવ મહિનાની પુત્રી શ્રેયા, દશ વર્ષનો પુત્ર તેમજ ત્રણ સાળી બધા વાંકાનેરથી જીજે -36-એએલ-9928 નંબરની સેલ્ટોસ કાર લઈને બેડી વાછકપર જતા હતા ત્યારે કાગદડી ગામ પાસે વળાંક લેતી વખતે પુરપાટ ઝડપે આવેલી જીજે-04-એ-7771 નંબરની સ્કોર્પિઓ ધડાકાભેર કાર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં અજયભાઈના ચાર વર્ષના પુત્ર મોક્ષ અને સાઢુભાઈ અનિલભાઈની નવ મહિનાની દીકરી શ્રેયાનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. જયારે અનિલભાઈના પત્ની, તેની ત્રણ સાળી સહિતને સારવાર આપવામાં આવીહતી જેમાં અનિલભાઈની પત્નીને ગોળાન ભાગે ફ્રેક્ચર હોવાનું નિદાન થતા પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે કુવાડવા પોલીસ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક મોક્ષ એકનો એક પુત્ર હતો
મૃતક મોક્ષ એકનો એક પુત્ર હતો. જ્યારે શ્રેયા એક ભાઇમાં નાની હતી. મોક્ષના પિતા અજયભાઈ ખેતીકામ કરે છે, ગઈકાલે સંક્રાત હોવાથી પિતા, પુત્ર સહીતના વાંકાનેર રહેતા સાઢુભાઈના ઘરે ગયા હતા. સંક્રાતિ પુરી થતા સાઢુ અનિલભાઈ કાર લઈને બેડી વાછકપર ગામે મુકવા આવતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બનાવના પગલે બંને પરિવારમાં આક્રંદ સર્જાયો છે. આગળની તપાસ કુવાડવા પોલીસે હાથ ધરી છે.