BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં બે ખેડૂતનો આપઘાતઃ ત્રણ પાક નિષ્ફળ જતા અરડોઈમાં ખેડૂતે ઝેરી દવા પીધી, વીંછિયામાં જગતના તાતે બે વર્ષથી પાક ફેલ જતા ફાંસો ખાધો

  • November 10, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્યમાં પડેલા માવઠાના મારથી જગતાતની સ્થિતિ ખુબ કફોડી બની છે. કપાસ, મગફળી જેવા મોટાભાગના પાક નિષ્ફ્ળ જતા ખેડૂતો દેણામાં ડૂબી જવાથી આત્મહત્યા કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી અને વિંછીયા પંથકના બે ખેડૂતોએ પાક નિષ્ફ્ળ જવાથી ચિંતામાં આવી જઈ જિંદગી ટૂંકાવી લેતા પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.


કરુણ બનાવોની મળતી વિગત મુજબ કોટડાસાંગાણીના અરડોઇ ગામે રહેતા દિલીપભાઇ નાગજીભાઈ વીરડીયા (ઉ.વ.50)એ ગઈકાલે ગામની સીમમાં આવેલી વાડીએ ઝેરી દવા પી લીધી હતી. પુત્ર જયારે પિતાને તેડવા માટે વાડીએ પહોંચ્યા ત્યાં દવા પીધેલી હાલતમાં જોતા બાઇકમાં બેસાડી તાકીદે સારવાર માટે ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતાં દમ તોડી દીધો હતો. બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.


ઘટનાના પગલે ગામના સરપંચ સહિતના લોકો દોડી ગયા હતા. મૃતક દિલીપભાઈએ 12 વીઘા પોતાની જમીન છે અને 28 વીઘામાં ભાગિયું રાખ્યું હતું .બંને જમીનમાં મગફળી,કપાસ અને જીરુંની વાવણી કરી હતી પરંતુ કમોસમી વરસાદ વરસતા પાથરા પલળી ગયા હતા અને 10 લાખનું નુકશાન થયું હતું. અગાઉ ડુંગળી વાવવામાં આવી હતી એ પાક પણ નિષ્ફ્ળ ગયો હતો. ગત વર્ષે દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા તેનું દેણું પણ ચૂકવવાનું હોય આ વર્ષે સારો વરસાદ થતા સો આની વર્ષ જવાથી બધું દેણું ચૂકવાઈ જશે તેવી આશ હતી પરંતુ ગણતરીના દિવસો પૂર્વે જ વરસેલા કમોસમી વરસાદે દિલીપભાઈની આશાઓ ઉપર પાણી ફેરવી દેતા દેણા નીચે દબાયેલા ખેડૂત કેટલાક દિવસોથી ચિંતામાં રહેતા હતા અંતે ગઈકાલે વાડીએ જઈ પગલું ભરી લેતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે, પરિવારે ઘરના મોભી ગુમાવતા ઘેરો કલ્પાંત સર્જાયો છે.


જયારે બીજા બનાવમાં વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે રહેતા દાનાભાઈ રામજીભાઈ જાદવ (આશરેઉ.વ.60)એ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ગામમાં અરેરાટી મચી જવા પામી હતી. ખેડૂત પ્રૌઢએ વાવણી માટે રાખેલી વાડીમાં મગફળી સહીતના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી વરસાદ વરસતા તૈયાર થવાની આરે ઉભેલા પાકના પાથરાનો સોથ વળી જતા ખેડૂતને મોટું નુકશાન થયું હતું. ગત વર્ષે પણ પાક નિષ્ફ્ળ જતા આર્થિકભીસમાં મુકાયેલા પ્રૌઢે અંતે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવના પગલે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે 10 હજાર કરોડનું આર્થિક સહાય પેકેજ જાહેર કર્યું છે પરંતુ ખેડૂતોને થયેલા ભારેખમ નુકશાન સામે આ સહાય નિઃસહાય હોય તેમ દેણામાં ડૂબેલા સૌરાષ્ટ્રમાં ખેડૂતો આપઘાત કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application