કમોસમી વરસાદ ગુજરાતનો કેડો મુકતો નથી. જગતનો તાત પણ હવે માવઠાના મારથી થાકી ગયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીના તૈયાર પાક માવઠાએ ધોઈ નાખ્યો છે. તેમજ કપાસના પાકનો સોથ વળી ગયો છે. ત્યારે આજે ફરી રાજુલામાં ધોધમાર બે ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તેમજ ધારતવાડી-2 ડેમના એકસાથે 10 દરવાજા ખોલાતા નદી હેઠળના ગામડાઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
જાણો ક્યાં ઓરેન્જ અને ક્યાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.
4 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો
આજે સવારના 6થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુમાં અમરેલીના રાજુલામાં બે ઈંચ તો સૌથી ઓછો ગીર સોમનાથના સુત્રાપાડામાં 1 મિમી વરસાદ નોંધાયો છે. બે કલાકમાં રાજુલામાં બે ઈંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ધાતરવાડી ડેમ-2માં ફરી પાણીની આવક વઘતા એક સાથે 10 દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, ઉછેયા, ભચાદર, વડ, રામપરા, ભેરાઇ, કોવાયા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની રુપેણી નદીમાં ફરીવાર પૂર આવ્યું છે. ઉના શહેરમાં ધોધમાર વરસાદને પગલે રોડ પર પાણી ભરાતા લોકો મુશ્કેલી અનભવી રહ્યા છે. છેલ્લા છથી સાત દિવસથી પડી રહેલાં કમોસમી વરસાદથી ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. હવે સરકાર સહાય કરે તે માટે ખેડૂતો મીટ માંડીને બેઠા છે.