BREAKING NEWS

આણંદ પાસે બોટાદના ડીવાયએસપીની બેકાબૂ કારે પાંચ લોકો ઉલાળ્યા, બેના મોત ઘટનાસ્થળે જ મોત, ત્રણને ગંભીર ઈજા

  • May 29, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આણંદ જિલ્લાના અડાસ ગામ પાસે આજે વહેલી સવારે બોટાદ જિલ્લાના ડીવાયએસપી એ.એ. સૈયદની બેકાબૂ બનેલી કારે રોડના કાંઠે ઉભેલા પાંચ લોકોને જોરદાર ટક્કર મારી કચડી નાખ્યા હતા. કાળચક્ર સમાન આવેલી કારની અડફેટે આવતા બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીની કારથી સર્જાયેલી આ ભયાનક દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી પ્રસરી ગઈ છે.


મળતી વિગતો અનુસાર, વડોદરાથી આણંદ તરફ આવી રહેલી ડીવાયએસપી એ.એ. સૈયદની કાર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બેકાબૂ બની ગઈ હતી. આ દરમિયાન અડાસ ગામ નજીક હાઈવેના કિનારે આવેલા એક શેરડીના રસના ચીચોડા પાસે કેટલાક લોકો એકઠા થઈને સવારના સમયે રસ પી રહ્યા હતા. આ સમયે ડીવાયએસપીની પૂરપાટ ઝડપે આવી રહેલી કારે શેરડીનો રસ પી રહેલા નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે શેરડીનો રસ કાઢવાનું ભારેખમ મશીન રોડ પર દૂર સુધી ફંગોળાઈ ગયું હતું અને કારની સીધી ટક્કર વાગતા બે લોકોના સ્થળ પર જ શ્વાસ રૂંધાઈ ગયા હતા.


અકસ્માત એટલો ભયાવહ હતો કે રોડના કાંઠે ક્ષણભરમાં જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક રહીશો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરીને ત્રણેય લોહીલુહાણ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.


પ્રાથમિક અહેવાલો મુજબ, વહેલી સવારે ડ્રાઈવિંગ કરતી વખતે ડીવાયએસપી એ.એ. સૈયદને અચાનક ઊંઘનું જોરદાર ઝોકું આવી ગયું હતું, જેના કારણે તેઓ કાર પરથી સંપૂર્ણ કાબૂ ગુમાવી બેઠા હતા અને આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો.

હાઈવે પર બનેલી આ દુર્ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસ સ્ટેશનનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત કાર અને શેરડીના ચીચોડાના કાટમાળને હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જો કે, કાયદાના રક્ષક ગણાતા ઉચ્ચ અધિકારીની બેદરકારીથી બે નાગરિકોના જીવ જતાં લોકોમાં કાયદાકીય કડક કાર્યવાહીને લઈને ભારે ચર્ચાઓ જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application