BREAKING NEWS

બહુચરાજી મેળામાં જતાં પદયાત્રીઓને ટ્રકે કચડ્યાં, બેના મોત, સાતને ગંભીર ઈજા

  • March 31, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૈત્રી પૂનમ નિમિત્તે બહુચરાજી મેળામાં નીકળેલા શ્રદ્ધાળુઓ માટે ગત રાત કાળરાત્રિ સાબિત થઈ હતી. મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલા નવા દેલવાડા નજીક એક બેફામ ટ્રકચાલકે પદયાત્રીઓના સંઘને કચડી નાખતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બે યુવકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે અન્ય સાત લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા.


પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી આશરે 65 લોકોનો સંઘ 29 માર્ચના રોજ બપોરે બહુચરાજી જવા રવાના થયો હતો. સંઘ જ્યારે નવા દેલવાડા પાસે પહોંચ્યો ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રકચાલકે પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 19 વર્ષીય ઠાકોર દલપતજી પારખાનજી અને 25 વર્ષીય લાલાજી નાગજીજી નામના બે માઈભક્તોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.


અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદ કરી હતી. ઘાયલ થયેલા સાત શ્રદ્ધાળુઓમાં ઠાકોર હેતલબેન, ઠાકોર જુહાજી, વિક્રમ અમૃતજી ઠાકોર અને મેહુલ જુહાજી ઠાકોરનો સમાવેશ થાય છે. આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.


ધનાવાડા ગામના સરપંચ જકસીજીએ ભારે હૈયે જણાવ્યું કે, મૃતક દલપતજી માત્ર 19 વર્ષના હતા અને થોડા સમય પહેલા જ તેમની સગાઈ થઈ હતી. તેમના ઘરમાં મોટા ભાઈના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ તે પહેલા જ આ દુર્ઘટના બની ગઈ. બીજા મૃતક લાલાજી (25 વર્ષ) ખેત મજૂરી કરવાની સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય હતા. તેઓ 'જે.ડી.ધનાવડા' નામની પોતાની યુટ્યુબ ચેનલ ચલાવતા હતા અને મિત્રો સાથે કોમેડી વીડિયો બનાવવાનો શોખ ધરાવતા હતા.

અકસ્માત સર્જીને ટ્રકચાલક માનવતા નેવે મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ધનાવાડા ગામમાં માતમ છવાઈ ગયો હતો અને ચૈત્રી પૂનમના મેળામાં જતા અન્ય પદયાત્રીઓમાં પણ શોકની લહેર ફરી વળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application