સોઢાણામાં ઢેલના મૃતદેહ સાથે અડવાણાના બે શખ્શો ઝડપાયા
સોઢાણામાં ઢેલના મૃતદેહ સાથે અડવાણાના બે શખ્શો ઝડપાયા
May 01, 2025 03:20 PM
પોરબંદરના સોઢાણા ગામે ઢેલના મૃતદેહ સાથે અડવાણાના બે શખ્શોને શંકાસ્પદ હાલતમાં ગ્રામજનોએ પકડીને પોલીસને સોંપ્યા બાદ તે અંગેની જાણ વનવિભાગને કરવામાં આવતા પી.એમ.ની કાર્યવાહી સહિત તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે પોરબંદર નજીકના સોઢાણા ગામે બપોરના સમયે બે ઇસમો એક કોથળામાં ઢેલનો મૃતદેહ લઇને નીકળ્યા ત્યારે ગ્રામજનોએ તેમને ઘેરી લીધા હતા અને કોથળામાંથી ઢેલનો મૃતદેહ કાઢયા બાદ તેના શરીર ઉપર ઇજાના નિશાન જણાયા હોવાથી આ રાષ્ટ્રીયપક્ષીને આ બંને શખ્શોએ મોતને ઘાટ ઉતાર્યુ હોવાની શકયતા જણાતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. બગવદર પોલીસમથકની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઇ હતી અને પૂછપરછ કરતા ભુપત રવજી સોલંકી અને ધમા કુરજી પરમાર એ બંને શખ્શો અડવાણા ગામે રહેતા હોવાનુ કબલ્યુ હતુ અને પોલીસે આ બાબતમાં વનવિભાગને જાણ કરતા જંગલખાતાની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઇ હતી અને ઢેલના મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં તે બંને શખ્શો પોતાનો બચાવ કરી રહ્યા હતા અને ઢેલ ઇજાગ્રસ્ત થઇ હોવાથી તેને લઇને જતા હતા તેમ જણાવ્યુ હતુ પરંતુ જો ઢેલ ઇજાગસ્ત હોય તો આ રીતે કોથળામાં પૂરી ને શા માટે લઇ જવામાં આવતી હતી? તેવા સવાલો ઉપસ્થિત થયા હતા અને પી.એમ. રીપોર્ટ બાદ આ બંને શખ્શો સામે વનવિભાગ દ્વારા રાષ્ટ્રીયપક્ષીની હત્યાનો ગુન્હો નોંધાય તેવી શકયતા જણાઇ રહી છે.