જૂનાગઢ જેલમાં અમદાવાદ ઝડતી સ્ક્વોડે દરોડા પાડ્યા હતા. જેમાં હાઈ સિક્યુરિટી વિભાગની પાછળથી આઇફોન સહિત બે મોબાઇલ મળતા ખળભળાટ મચી ગયો છે. ચાલુ સીમકાર્ડના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જેલ કર્મચારી કે કેદીની સંડોવણી અંગે એફએસએલ રિપોર્ટની તજવીજ હાથ ધરાઈ છે.
કર્મચારી કે કેદીઓની સંડોવણી?
મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લા જેલમાં અમદાવાદ ઝડતી સ્ક્વોડના જેલરે તપાસ હાથ ધરી હતી. જેમાં જેલની મુખ્ય દિવાલ પાસે હાઈ સિક્યુરિટી વિભાગની ખોલી પાછળના ભાગેથી કચરામાંથી સીમકાર્ડ સાથે આઈફોન અને એક કીપેડ સહિતના બે મોબાઇલ મળી આવ્યા હતા. જેલરે અજાણ્યા ઇસમ સામે એ ડિવિઝનમા ફરિયાદ નોંધાવી છે. પોલીસની ટીમ દ્વારા પ્રાથમિક તબક્કે સીમકાર્ડમાં રહેલા નંબરના આધારે વધુ હાથ ધરી છે અને પ્રતિબંધિત વિસ્તારમાં મળેલા મોબાઈલના કારણે કર્મચારી કે કેદીઓની સંડોવણી છે કે કેમ તે અંગે બંને મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
જેલમાં અનેક વખત મોબાઈલ બિનવારસુ મળે છે
જૂનાગઢ જિલ્લા જેલમાં મોબાઇલ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. અમદાવાદ ઝડતી સ્ક્વોડ જેલર ગ્રુપ એકના જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા તેની ટીમ સાથે બપોરે જિલ્લા જેલ ખાતે ચકાસણી કરવા પહોંચ્યા હતા. દેવશીભાઈએ જેલના વિવિધ વિભાગોની ચકાસણી દરમિયાન જેલની પાછળની મુખ્ય દિવાલ પાસે હાઈ સિક્યુરિટી વિભાગની ખોલી એક અને બેની પાછળના ભાગે કચરામાંથી એક કીપેડ અને આઇફોન સહિત બે મોબાઈલ મળી આવ્યા હતા. તપાસ કરતા બંને મોબાઇલમાંથી સીમકાર્ડ પણ મળી આવ્યા હતા. જેથી બિનવારસુ મળેલા મોબાઈલ અંગે અજાણ્યા ઈસમ સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેલમાં અનેક વખત મોબાઈલ બિનવારસુ મળે છે. પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે અંગે ફોડ પડાતો નથી.
નંબરના આધારે સંભવિત વધુ ખુલાસા થવાની શક્યતા
અમદાવાદ ઝડતી સ્ક્વોડના જેલરે કરેલી તપાસ બાદ બંને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે મોબાઇલમાં સીમકાર્ડ ચાલુ હાલતમાં હોવાથી નંબરના આધારે સંભવિત વધુ ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ આવ્યો ક્યાંથી? પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ લઈ જવામાં જેલના કોઈ કર્મચારી કે કેદીઓની સંડોવણી છે કે કેમ તે અંગે એફએસએલ મારફત મોબાઈલની ચકાસણીની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં સીમકાર્ડ સાથેના મળી આવેલ બે મોબાઈલ કોના હતા અને કેવી રીતે આવ્યા તે અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.