BREAKING NEWS

શાપરમાં રાત્રે પ્લાસ્ટિકની થેલીમાંથી બે માસનું નવજાત બાળક મળ્યું!, નિષ્ઠુર માતા-પિતાને કડકડતી ઠંડીમાં ત્યજી દેતા જીવ કેમ ચાલ્યો હશે?

  • January 19, 2026 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ-ગોંડલ હાઇવે પર શાપર પાટીયાના પુલ પાસે નાનુ બાળક રડતું હોય તેવો અવાજ આવતા અહીં તાપણું કરી રહેલા બે વ્યકિતઓએ પોલીસ સ્ટેશને જઇ જાણ કરી હતી. બાદમાં પોલીસે અહીં પહોંચી જોતા પ્લાસ્ટિકની થેલીમાંથી બાળક મળી આવ્યું હતું. જેને પ્રથમ શાપર બાદમાં રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બનાવ અંગે શાપરના હેડ કોન્સ.ની ફરિયાદ પરથી બાળકને ત્યજી દેનાર તેના માતા-પિતા સામે ગુનો નોંધાવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુબજ, શાપર વેરાવળ પોલીસ મથકમાં હેડ કોન્સ. તરીકે ફરજ બજાવનાર રવિરાજસિંહ જાડેજાની ફરિયાદના આધારે બાળકને ત્યજી દેનાર માતા-પિતા સામે ગુનો નોંધાયો છે. ફરિયાદી રવિરાજસિંહે જણાવ્યું હતું કે, ગઇકાલે તે ઈન્વે ફરજમાં પોલીસ સ્ટેશને હાજર હતા દરમિયાન રાત્રીના ૧/૧૫ કલાકે બે માણસો પોલીસ સ્ટેશન આવ્યા હતા જેના નામ સંજયભાઈ ભીખુભાઈ દાફડા(રહે.હડમતાળા), અને દિપકભાઈ અમૃતભાઈ પરમાર(રહે. કોઠારીયા સોલ્વટ ત્રણ માળીયા) હોવાનું કહ્યું હતું.


આ બંને વ્યકિતઓએ વાત કરી હતી કે, અને બંનેએ જણાવેલ હોય કે અમો રાત્રીના શાપર પાટીયા પાસે તાપણ કરતા હોય એવામા શાપર પાટીયા પુલ નીચે કોઈ નાનું બાળક રડતું હોવાનો અવાજ આવે છે તેવી વાત કરતા ફરિયાદી તથા સાથેના કોન્સ. સંદિપભાઈ સોલંકી શાપર પાટીયા પુલ નીચે જતા શાપર પાટીયા પુલના પહેલા પીલોર પાસે નીચે એક લાલ કલરની પ્લાસ્ટિકની થેલી જોવા મળી હતી અને તેમા જોતા એક નવજાત નાનુ બાળક રડતું હોય અને તેને ગુલાબી કલરનું સ્વેટર તથા કાળા કલરની લેંગીસ પહેરેલ તેમજ દુધની બોટલ પડેલ હોય જેથી આજુબાજુમાં આ બાળકના વાલી વારસની તપાસ કરેલ પરતું બાળકના કોઈ વાલીવારસ મળી આવ્યા ન હતી. જેથી બાળકને શાપર સરકારી હોસ્પીટલ ખાતે લઈ જતા ત્યાં ફરજ પરના તબીબે બાળક આશરે દોઢથી બે મહિનાનુ જીવિત હોવાનુ અને બાબો (પુરૂષ) હોવાનુ જણાવેલ અને ડોક્ટરે બાળકને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરેલ જેથી બાળકને રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે સારવારમા લઈ જવામાં આવ્યું હતું.


પોલીસે બાળકના માતા-પિતા બાબતે તપાસ કરતા હજુ સુધી વાલીવારસ મળી આવ્યા ન હોય અને આ નવજાત બાળક આશરે દોઢથી બે મહિનાનું હોય અને આ બાળકના માતા, પિતાએ બાળકને સંપુર્ણ ત્યજી દેવાના ઈરાદાથી શાપર પાટીયા પુલ નીચે એક પ્લાસ્ટીકની થેલીમાં રાત્રીના અસુરક્ષીત ત્યજી દિધેલ હોય જેથી આ બાળકના અજાણ્યા માતા-પિતા સામે ફરિયાદ નોંધવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application