BREAKING NEWS

ગોંડલ રોડ ચોકડી પાસે સ્કોર્પિયો ઇકો ધડાકાભેર અથડાયા, બે લોકોના મોત, પાંચને ઇજા

  • May 04, 2026 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ રોડ ચોકડી પાસે આવેલા ટાટાના શો રૂમ પાસે આજે બપોરે સ્કોર્પિયો કાર અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે પાંચ વ્યક્તિને ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો બનાવની જાણ થતા આજીડેમ પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અકસ્માતમાં થાનગઢ અને રાજકોટનો પરિવાર ગોંડલ માઠા પ્રસંગમાં ગયો હતો ત્યાંથી પરત ફરતા ઘટના બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહન ગોથું મારી ગયા હતા.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરે ગોંડલ રોડ પર ટાટાના શો રૂમ પાસે સ્કોર્પિઓ કાર અને ઇકો ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા ને કોઈએ 108 અને પોલીસને જાણ કરતા પોલીસ અને 108ની ટિમ સ્થળ પર પહોંચી પોલીસે લોકોની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં થાનગઢના રામજી નરશીભાઈ કાકડીયા (ઉ.વ.70) અને મગનભાઈ નરશીભાઈ પાટડીયા (ઉ.વ.60)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં રહેતા સાહિલ યાકુબભાઈ કુરેશી, રણછોડનગરમાં રહેતા સરસ્વતીબેન જાગાણી, ઉષાબેન પાટડીયા, થાનગઢના હંસાબેન મગનભાઈ, મહેબૂબભાઈ અંસારીને સિવિલમાં તાકીદે સારવાર આપવામાં આવી હતી. અકસ્માતમાં થાનગઢ અને રાજકોટનો પરિવાર ગોંડલ લોકિકના કામે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે ઇકો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. પરિવારના બે મોભીઓના મોતથી કરુણ કલ્પાંત સર્જાયો છે.


ગોંડલ ચોકડી પાસે આજરોજ બપોરના ગમખ્વાર અકસ્માતની ઘટના બન્યા બાદ અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જતા રોડ પર ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માતના આ બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીઆઇ એચ.એન. પટેલ તથા સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્તોને 108 મારફત તાકીદે સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ અકસ્માતની આ ઘટના બાદ અહીં ગોંડલ ચોકડી પાસે ભારે ટ્રાફિકજામ થઈ ગયો હોય જેથી વાહનોના થપા લાગી જતા પોલીસે તાકીદે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે,શહેરમાં અને શહેરની ભાગોળે આવેલા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સામાન્યથી લઇ જીવલેણ અકસ્માતોની ઘટના સતત વધી રહી છે. પુરપાટ ઝડપે દોડતા વાહનો વારંવાર અકસ્માત સર્જી પોતાની તથા અન્યની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે વધુ એક વખત જીવલીણ અકસ્માતની ઘટના બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application