BREAKING NEWS

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દારૂની રેલમછેલ...થરાદમાં દારૂ ભરેલી ક્રેટા કાર પૂર ઝડપે બાવળ સાથે અથડાતા બે લોકોનાં મોત

  • February 18, 2026 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થરાદ પંથકમાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદના પીલુડા અને કરબૂણ ગામ વચ્ચે આવેલી સીમ વિસ્તારમાં દારૂ ભરેલી અને પૂરઝડપે દોડતી એક સફેદ ક્રેટા કાર પલટી ખાઈ રોડ સાઈડના બાવળના ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા.

પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે કાર  પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. કાર અનેક પલટીઓ ખાતી સીધી જ બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. અથડામણ એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને ગાડીનું પડીકું વળી ગયું હતું. અકસ્માતનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કારની હાલત જોઈ અંદાજ લગાવી શકાય કે અકસ્માત સમયે ગાડી ખૂબ જ વધુ ઝડપે હતી. કારમાં ફસાયેલા બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતદેહોને બહાર કાઢવા માટે ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. બાદમાં ગાડીને સીધી કરવાની અને મૃતદેહોને બહાર કાઢવા ટ્રેક્ટરની મદદ લેવાઈ હતી.


ઘટનામાં ચોંકાવનારી બાબત એ સામે આવી કે અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલો બહાર ફેંકાઈ ગઈ હતી. સ્થળ પર મોટી સંખ્યામાં દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. સ્થાનિકોના કહેવા મુજબ, કારમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની શંકા છે. સમગ્ર મામલાને લઈ અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.


ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ કારમાંથી મળી આવેલા દારૂના જથ્થાને કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. કારના માલિક અને મૃતકોની ઓળખ અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી, ઝડપ અને દારૂના એંગલ સહિતના મુદ્દાઓની સઘન તપાસ હાથ ધરાઈ છે. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને ચકચાર ફેલાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application