BREAKING NEWS

થોરાળામાં બે જૂથ વચ્ચે ધબધાટી, પથ્થર અને સોડા બોટલના છૂટા ઘા થયા, બે લોકોને ઈજા

  • November 12, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના થોરાળામાં ગઈકાલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સામસામ પથ્થરો અને સોડા બોટલના છૂટા ઘા થતા મામલો બિચક્યો હતો. ઘટનાને લઈને સ્થાનિકોમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. 


હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી

મળતી માહિતી મુજબ નવા થોરાળા શેરી નં.2, સ્વામિનારાયણ સ્કૂલ પાસે રાઠોડ અને ઓડિયા જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને બંને જૂથે એકબીજા પર પથ્થર અને સોડા-બોટલના ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું. સાંજે 4.30 વાગ્યે બનેલી આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી અને થોડીવાર માટે માહોલ તંગ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડા સ્થળ પર દોડી ગયા હતા. હુમલામાં ઘવાયેલા નવા થોરાળા વિસ્તારના રોહિત મનજીભાઇ રાઠોડ (ઉ.વ.26) અને સામા જૂથના નયન દાફડા (ઉ.વ.22)ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રોહિતની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.


શેરીમાંથી વાહન લઈને નીકળવા બાબતે મામલો બિચક્યો

શેરીમાંથી વાહન લઈને નીકળવા બાબતે બોલાચાલી થતાં મામલો તંગ થયાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભોગ બનનાર પક્ષે જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, રાઠોડ જૂથ પર થયેલા હુમલામાં બોદુ ઓડિયા અને તેના મળતિયાઓના નામ પ્રાથમિક તપાસમાં ખૂલી રહ્યા છે. બોદુ ઓડિયાની સાથે હુમલામાં રાઠોડ જૂથના કેટલાક લોકો પણ સંડોવાયા છે. રાઠોડ જૂથ સાથે અગાઉ રહેલા કેટલાક શખ્સો કેટલાક સમયથી ઓડિયા જૂથ સાથે ઘરોબો રાખવા માંડ્યા હતા અને તે કારણે બંને જૂથ વચ્ચે કેટલાક દિવસથી માથાકૂટ ચાલતી હતી અને તે કારણે બંને જૂથ સામસામે આવી ગયા હતા.


બંને જૂથના કેટલાક લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

થોરાળા વિસ્તારમાં ચર્ચાતી વિગતો મુજબ બંને જૂથના કેટલાક લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચારેક વર્ષ પહેલાં સલીમ નામના યુવકની હત્યા થઇ હતી તેમાં પણ એક જૂથના લોકોની સંડોવણી હતી. બંને બળુકા જૂથ વચ્ચેની ધમાલથી વિસ્તારમાં માહોલ તંગ બની ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application