ફાયર બ્રિગેડ ની ટીમેં દોડી જઈ મકાનમાં ફસાયેલા ઇજાગ્રસ્ત બે વ્યક્તિ ઉપરાંત બે બાળકી સહિત અન્ય ત્રણને સહી સલામત રેસ્ક્યુ કરાયા
મોડી રાત્રે દુર્ઘટના બાદ સ્થાનિકો એકત્ર થયા: પોલીસની ટીમે દોડી જઇ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો: એસ્ટેટ શાખા દ્વારા અન્ય જર્જરિત હિસ્સો દૂર કરવા કાર્યવાહી

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ નજીક મોટા પીર ચોક વિસ્તારમાં એક જુનવાણી મકાન, કે જેમાં રાત્રિના પોણા ચાર વાગ્યા આસપાસ ઉપરનો છતનો હિસ્સો ધડાકાભેર ધસી પડતાં ભારે અફડા તફડી સર્જાઇ હતી, અને મકાનના નીચેના ભાગમાં રહેતી બે વ્યક્તિ કાટમાળમાં દબાઈ હતી. જે બંનેને બહાર કાઢી લઈ, સારવારમાં પહોંચાડ્યા હતા, ઉપરાંત ઉપરના માળે રહેતા બે બાળકો અને એક મહિલાને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવાયા હતા. આ દુર્ઘટના ને કારણે આસપાસના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પોલીસ તંત્ર એ પણ આવી જઇ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. ઉપરાંત એસ્ટેટ શાખાની ટીમ દ્વારા જર્જરિત મકાનનો અન્ય હિસ્સો તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોટા પીર ચોક વિસ્તારમાં આવેલા એક જુનવાણી મકાનનો જર્જરીત ઉપરના માળનો હિસ્સો ધસી પડ્યો હતો, જેના કારણે નીચેના ભાગમાં રહેતા રજીયાબેન અબ્દુલભાઈ સાટીનામના ૫૮ વર્ષના પ્રૌઢ મહિલા, ઉપરાંત હુસેનભાઇ મુસાભાઇ સાટી નામના ૬૧ વર્ષ ના બુઝુર્ગ કે જેઓ ઉપર કાટમાળનો હિસ્સો પડવાના કારણે નાની મોટી ઈજા થઈ હતી.

આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટુકડી તાત્કાલિક દોડતી થઈ હતી. ફાયર શાખાના સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતી, જયંતિ ડામોર, એપલ વારા સહિતની ફાયર ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ત્વરિત રેસ્ક્યુ કામ હાથ ધર્યું હતું.

મકાનનો કાટમાળ પડવાના કારણે દરવાજો ખુલી શકે તેમ ન હોવાથી મકાનની બારી કાપી તેમાંથી સૌપ્રથમ ઇજાગ્રસ્ત મહિલા રજીયાબેન તેમજ હુસેનભાઈ કે જેઓને બંનેને રેસ્ક્યુ કરી લેવાયા હતા. જેમાં રજીયા બેનને કપાળના ભાગે તેમજ નાકના ભાગે નાની મોટી ઇજા થઇ હોવાથી લોહી લુહાણ પણ બન્યા હતા. જેઓને ૧૦૮ નંબર ની ટુકડી આ સમયે બનાવના સ્થળે આવી પહોંચી હોવાથી સારવાર માટે બન્નેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા છે, ત્યાં હુસેન ભાઈને પ્રાથમિક સારવાર આપી હતી, જયારે રજિયાબેન ની આગળની સારવાર ચાલી રહી છે.

આ મકાનના પ્રથમ માળે એક મહિલાને બે નાના બાળકો પણ રહેતા હતા. જામનગર ની ફાયર બ્રિગેડની ટુકડીએ કાટમાળની વચ્ચેથી ઉપરના માળે પહોંચી જઈ ત્યાં રહેતી શકીનાબેન નામની ૩૨ વર્ષની મહિલા અને તેની બે નાની પુત્રીઓ જેમાં નાઈઝા ત્રણ વર્ષ તેમજ એક નાની માત્ર ત્રણ મહિનાની બાળકે જે ત્રણેયને ફાયર બ્રિગેડની ટુકડીએ નીચે ઉતાર્યા બાદ બારીમાંથી એક પછી એક ત્રણેયને સહી સલામત રીતે રેસક્યુ કરી લીધા હતા. જેના કારણે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની વધુ જાનહાની થઈ ન હતી, અને કુલ પાંચ વ્યક્તિને સમયસર રેસક્યુ કરી લેવાયા હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

આ બનાવ બન્યો ત્યારે ધડાકા સહિતનો અવાજ થવાના કારણે અને ઈજાગ્રસ્તોની ચીસ ના કારણે આસપાસના લોકો સફાળા જાગી ઉઠ્યા હતા, અને સ્થળ પર એકત્ર થયા હતા. ઉપરાંત સ્થાનિક વિસ્તારના આગેવાનો પણ આવી પહોંચ્યા હતા.

ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ થવાથી દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ ડી.જી. રામાનુજ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઉપરોક્ત મકાનનો બાકીનો જર્જરીત હિસ્સો, કે જે ધસી પડે તેમ હોવાથી સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવાયો છે, અને એસ્ટેટ શાખા ની ટૂકડી દ્વારા બાકીના મકાનના ભાગનું ડીમોલેશન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application