BREAKING NEWS

રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં બાળ આરોપીના જીવતા વાળ ખેંચી ક્રૂરતા આચરતા બે પોલીસમેનની બદલી, સફાઈ કામદારને નોકરીમાંથી હાંકી કઢાયો

  • October 06, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ડી સ્ટાફના બે જવાનોના આદેશથી સફાઈ કામદારે બાળ આરોપીના માથામાંથી વાળ ખેંચી અમાનુષી સજા કરતો હોવાનો વાયરલ વીડિયો વાયરલે પોલીસ વર્ધીને કાળો ડાઘ લગાડ્યો છે. ત્યારે પોલીસ કમિશનરે તપાસના હુકમ બાદ પ્રાથમિક તપાસના અંતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલની તત્કાલ બદલીના ઓર્ડર કરી એક ને પોલીસ હેડક્વાટર અને બીજાને ટ્રાફિક બ્રાન્ચમાં ફેંકી દેવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે. આ અંગેની તપાસ એસીપી ભારાઇને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.


પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગત 31 ઓગસ્ટના બહ્મસમાજ ચોકમાં મજાક મસ્તી કરવા બાબતે માથાકૂટ થતા તેજસ ડાંગર નામના યુવકને પેટમાં છરીના ઘા ઝીંકવાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધી ચાર બાળ આરોપી સહીત પાંચની ધરપકડ કરી હતી. જે બનાવમાં પોલીસ મથકમાં બાળ આરોપીના જીવતા વાળ ખેંચી કૃરતા પૂર્વક અમાનુષી સજા કરતો સફાઈ કામદારનો વિડીયો વાયરલ થયો હતો.


આ વીડિયોમાં પોલીસ મથકનો સફાઈ કામદાર શૈલેષ બાળ આરોપીને નીચે બેસાડી તેના માથામાંથી વાળ ખેંચી બાજુમા રાખેલ ડસ્બીનમાં નાખતો હોવાનુ અને બાળ આરોપી મને છોડી ધ્યો કહી બે હાથ જોડી આજીજી કરી રહ્યો હોય અને કહેતો હતો કે વાળ કાપવા હોય તો કાતરથી કાપી નાખો. જેમા વિડીયો ઉતારનાર કહે છે કે આગળથી સરખા નથી થયા આગળ ખેંચ જેથી સફાઈ કામદારે જોરજોરથી વાળ ખેંચતો હોવાનુ વીડિયોમાં નજરે પડી રહ્યું હતું.


આ શરમજનક બનાવમાં પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝાએ વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક તપાસના આદેશ કર્યા હતા તેમજ વિડીયો ઉતારનાર ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સટેબલ પ્રદિપ ડાંગરને હેડકવાટર અને તેની સાથે રહેલા સહદેવસિંહ જાડેજાને ટ્રાફીક શાખામાં તાત્કાલિક અસરથી બદલીના આદેશ કરી છૂટા કરવા હુકમ કરાયા હતા.


આ બનાવે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર જગાવી છે તેમજ બાળ આરોપીના પરીવારને ફરીયાદ નોધવા બોલાવ્યા છે. આ અંગેની તપાસ પશ્ચિમ વિભાગના એસીપી રાધિકા ભારાઈને સોપવામાં આવી હતી. અનુમાષી કૃત્યના બનાવમાં પોલીસ અધીકારી કે કર્મચારી સામેલ હોવાનુ બહાર આવશે તો તેની સામે તપાસ બાદ આકરા પગલા લેવામાં આવશે તેવું ઉચ્ચ અધિકારીઓ જણાવ્યુ હતુ.


બાળ આરોપીઓ પણ દૂધે ધોયેલા નથી વિસ્તારમાં લોકો છે ત્રાહિમામ

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર વાયરલ વિડિયો માં બાળ આરોપીના વાળ ખેંચવાના કૃતિઓની નિંદાઓ થઈ રહી છે પોલીસ દ્વારા જે સજા આપવામાં આવી તે વ્યાજબી નથી પરંતુ એવું પણ સામે આવ્યું છે કે જે બાળ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા તે બાળ આરોપીઓ કુખ્યાત રીઢા ગુનેગારોને પણ પાછળ મૂકી દે તેવા છે અને વિસ્તારમાં પણ લોકો તેના ત્રાસથી કંટાળી ગયા છે અને ધારાસભ્ય સુધી ફરિયાદો પણ કરવામાં આવી છે તેવું સૂત્રોમાંથી જાળવવા મળ્યું છે.


તપાસ બાદ જવાબદાર સામે કડક કાર્યવાહી કરાશે : ડીસીપી દેસાઈ

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક માં બાળ આરોપી સાથે વાળ ખેંચી ક્રૂરતા આચરતા વાયરલ વિડિયો સંદર્ભે આજકાલ સાથેની વાતચીતમાં ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ આ અંગેની તપાસ એસીપીને સોંપી દેવાય છે અને સફાઈ કર્મચારી શૈલેષને તાત્કાલિક છૂટો કરી દેવામાં આવ્યો છે અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવનાર હોવાનું તેમજ હાલ બે જવાબદાર પોલીસ જવાનોની બદલી કરી દેવામાં આવી છે તેમજ તપાસના અંતે જો કોઈ વધુ જવાબદાર હશે તો તેની સામે ચોક્કસ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.


ફરિયાદી સામે નહીં આવે તો પોલીસ ફરિયાદી બનશે: એસીપી ભરાઇ

કુખ્યાત બાળ આરોપીને ટોર્ચરિંગ કરતા હોવાના વાયરલ વિડિયો કાંડે સસસનાટી મચાવી દીધી છે ત્યારે પશ્ચિમ વિભાગના એસીપી રાધિકા ભારાઈએ આજકાલ ના પ્રતિનિધિ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ આ મુદ્દે સીસીટીવી અને વીડિયો અંગેની કરાઈ કરવામાં આવી રહી છે ફરિયાદીનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ સુધી તે સામે આવ્યા નથી જો સાંજ સુધીમાં નહીં આવે તો સરકાર પક્ષે પોલીસ ફરિયાદી બની આ પ્રકરણમાં ગુનો દાખલ કરશે.


એસીપી ભારાઈએ માર મારવાના આદેશ કર્યાનો અરજીમાં આક્ષેપ!

પોલીસ મથકમાં રીઢા બાળ આરોપીને ટોર્ચરિંગ કરવાના પ્રકરણમાં એસીપી રાધિકા ભારાઈ એ આરોપીને ફટકારવાના હુકમ કર્યાના આરોપી વતી એક અરજીમાં થયેલા આક્ષેપો અંગે પૂછતા એસીપીએ પોતાના પર આક્ષેપ થયા છે તે અંગેની અરજી થઈ હોય તેવી પોતાને કોઈ જાણન હોવાનું જણાવ્યું હતું.


વિડિયો વાયરલ કોણે અને કઈ રીતે વાયરલ થયો? તે 100 મણનો સવાલ

રાજકોટ માં ગત તારીખ 31/ 8 ના કનૈયાચોકમાં મિત્રો વચ્ચે માથાકૂટ મામલામાં તેજસ ડાંગર નામના યુવક પર પાંચ જેટલા શખ્સોએ માર મારી પેટમાં છરી ઝીકી દીધી હતી જે અંગે પાંચ સામે ગુનો નોંધાયો હતો જે ગુનાના બાળ આરોપીને પોલીસે ઉઠાવી લીધા બાદ તેની સાથે ક્રૂરતા આચરતો વિડિયો ઉતાર્યો હતો પરંતુ પોલીસ વિરુદ્ધ આ વિડિયોજ મુસીબતનું કારણ બનીગયો છે વિડિયો વાયરલ કઈ રીતે અને કોણે કર્યો તે પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application