રેલવે તંત્ર દ્વારા આવતીકાલ તા.15 અને પરમદિવસ તા. 16થી નિયમિત દોડતી કરવામાં આવનાર રાજકોટ - પોરબંદર વાયા જેતલસર જંકશનની બે લોકલ ટ્રેનો માટે આજે સવારે કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, રાજ્યના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા, સંસદસભ્ય પૂનમબેન માડમ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તથા ધારાસભ્યો રમેશ ટીલાળા, ઉદય કાનગડ, ડૉ. દર્શિતા શાહ, જયેશ રાદડિયા, મહેન્દ્ર પાડલિયા, જિલ્લા બીજેપી પ્રમુખ અલપેશ ઢોલરિયા, રાજકોટ શહેર બીજેપી પ્રમુખ ડૉ. માધવ દવે સહિતના અન્ય ગણમાન્ય અતિથિઓ દ્વારા ઉદ્દઘાટન સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ ઉપસ્થિત તમામ ગણમાન્ય અતિથિઓનું સ્વાગત કર્યું હતું. તેમણે પોતાના ઉદબોધનમાં તેમણે ઉપસ્થિત મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા રાજકોટ, સૌરાષ્ટ્રની રેલ સુવિધાઓ વધારવા માટે કરવામાં આવી રહેલા સતત પ્રયાસોની સરાહના કરી હતી.
રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજની રાજકોટ- પોરબંદર ઉદઘાટન સ્પેશિયલ ટ્રેનમાં રાજકોટથી બેસીને પોરબંદર સુધીની મુસાફરી કરી હતી, જે દરમિયાન ટ્રેનના માર્ગમાં આવતા વિવિધ સ્ટોપેજ રેલવે સ્ટેશનો ઉપર સ્થાનિક પ્રતિનિધિઓ અને સામાન્ય જનતા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા નવી ટ્રેન શરૂ થવાની ખુશી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મુખ્ય જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારી દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટ સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં રેલવે સલાહકાર સમિતિના સભ્યો અને અન્ય ગણમાન્ય અતિથિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તા. 15 અને 16થી શરૂ થનારી બંને ટ્રેનોના ટાઈમિંગ અને સ્ટોપની વિગત
રાજકોટ અને પોરબંદર વચ્ચે શરૂ કરાયેલી આ બે નવી લોકલ ટ્રેનો આવતીકાલ તા 15 અને 16 થી શરૂ થનાર છે, તેની વિગતો આ મુજબ છે :
આ બંને રેગ્યુલર ટ્રેનોમાં ટ્રેન નં. ૫૯૫૬૧/ ૫૯૫૬૨ રાજકોટ- પોરબંદર- રાજકોટ લોકલ ટ્રેન પૈકી નં.૫૯૫૬૧ રાજકોટ- પોરબંદર લોકલ ૧૫ નવેમ્બરથી દરરોજ રાજકોટ સ્ટેશનથી સવારે ૮.૩૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૩.૧૫ કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. વળતી ટ્રેન નંબર ૫૯૫૬૨ પોરબંદર- રાજકોટ લોકલ ૧૫ નવેમ્બરથી દરરોજ પોરબંદરથી ૧૪.૩૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૮.૫૫ કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.
ટ્રેન નં ૫૯૫૬૩/ ૫૯૫૬૪ રાજકોટ- પોરબંદર- રાજકોટ લોકલ (સપ્તાહમાં પાંચ દિવસ) પૈકી ટ્રેન નં. ૫૯૫૬૩ રાજકોટ- પોરબંદર લોકલ ૧૬ નવેમ્બરથી સપ્તાહમાં ૫ દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) રાજકોટ સ્ટેશનથી બપોરે ૧૪.૫૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૨૦.૩૦ કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર ૫૯૫૬૪ પોરબંદર- રાજકોટ લોકલ ૧૫ નવેમ્બરથી સપ્તાહમાં ૫ દિવસ (ગુરુવાર અને રવિવાર સિવાય) પોરબંદર સ્ટેશનથી સવારે ૭.૫૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૨.૩૫ કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.
ઉપરોક્ત તમામ ટ્રેનો બંને દિશાઓમાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામજોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાળિયા અને રાણાવાવ સ્ટેશનો પર ઊભી રહેશે. ઉપરોક્ત ટ્રેનોના તમામ કોચ જનરલ એટલે કે અનારક્ષિત (અનરિઝર્વ્ડ) હશે.