BREAKING NEWS

સુરતના પલસાણામાં હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહને રીક્ષાને ટક્કર મારતા બે મહિલાના મોત, બેને ગંભીર ઈજા

  • February 13, 2026 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આજે સવારે નેશનલ હાઈવે-48 પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનચાલકે રીક્ષાને જોરદાર ટક્કર મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ જતા બે મહિલાના મોત નિપજ્યા હતા, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


પ્રાથમિક માહિતી મુજબ, પલસાણાના બલેશ્વર પાટિયા નજીક સવારે અંદાજે આઠ વાગ્યાની આસપાસ આ અકસ્માત બન્યો હતો. જીજે 19 ડબલ્યુબી 5143 નંબરનું અજાણ્યું વાહન રીક્ષાને પાછળથી જોરદાર અથડાયું હતું. અથડામણ એટલી જોરદાર હતી કે રિક્ષા ઊંધી વળી ગઈ અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


આ ઘટનામાં બે મહિલાના સ્થળ પર જ કરૂણ મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાંથી એકને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બીટ જમાદારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ સુધીની તપાસમાં મૃતક મહિલાઓમાંથી કોઈ પણ ગર્ભવતી હોવાનું બહાર આવ્યું નથી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે, જેથી મોતના ચોક્કસ કારણ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે.


ઘટનાની જાણ થતા પલસાણા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હાઈવે પરનો વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. હિટ એન્ડ રનની આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર બેદરકાર ડ્રાઈવિંગ અંગે ચિંતા ઊભી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application