ઉનામાં દીવાલ ધરાશાયી થતા 2 શ્રમિકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. દુકાનનું રિનોવેશન કરતી વખતે દીવાલ ધરાશાયી થઈ હતી. લાઈબ્રેરી ચોકમાં દુકાનના રિનોવેશન વખતે દુર્ઘટના સર્જાઈ હતી. અચાનક જૂની દીવાલ તૂટી પડતા 2 શ્રમિકો દટાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની મદદથી કાટમાળ હટાવતા બંનેના મૃતદેહો જ હાથ લાગ્યા હતા. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા અને પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે.
10 ફૂટ ઊંચી દીવાલ અચાનક ધરાશાયી થઈ
મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં લાઇબ્રેરી ચોક નજીક દુકાનના રિનોવેશન વખતે દીવાલ તૂટી પડવાની ઘટના બની હતી. જેમાં બે શ્રમિકોના કરૂણ મોત થયા હતા. દુકાનનું બાંધકામ કરતી વખતે 10 ફૂટ ઊંચી દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જેમાં દબાઈ જવાથી બે શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
બંને મૃતકો જાફરાબાદના વતની
મૃતકોમાં ઈરફાને હાજી મન્સુરી(ઉં.વ.35) અને મુસ્તાક અબ્દુલ કરીમ(ઉં.વ.40)નું સમાવેશ થાય છે. બંને મૂળ અમરેલીના જાફરાબાદના વતની હોવાનું જણાય છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.