BREAKING NEWS

જામનગરના બે યુવાનના હૃદયરોગના હુમલાથી મૃત્યુ

  • December 15, 2025 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક ૩૨ વર્ષ ના એક યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં જ પોતાના ઘેર હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું છે.  જયારે ખંભાળીયામાં જામનગરના ૩૮ વર્ષીય યુવાનનું હૃદયરોગના જીવલેણ હુમલાથી ભોગ લેવાતા ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. 


જામનગરમાં ગોકુલ નગર નજીક ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ધર્મેન્દ્ર ગોપાલભાઈ જાદવ નામના (ઉ.વ.૩૨) યુવાનને નિંદ્રાધીન અવસ્થામાં જ હૃદય રોગનો હુમલો આવી ગયો હતો. પોતે સૂઈ ગયા બાદ કાંઈ બોલતો ન હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


 આ બનાવ અંગે જી.જી. હોસ્પિટલમાં જ નોકરી કરતા મૃતકના પિતા ગોપાલભાઈ જીવણભાઈ જાદવે પોલીસને જાણ કરતાં  સિટી સી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી, આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


બીજા બનાવમાં ખંભાળિયા - જામનગર હાઈવે માર્ગ પર આવેલી એક ખાનગી કંપનીના પાર્કિંગમાં જામનગરના ગાંધીનગર વિસ્તાર ખાતે રહેતા દેવેન્દ્રસિંહ બનુભા જાડેજા નામના ૩૮ વર્ષના યુવાનને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પ્રદિપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ અહીંની પોલીસને કરી છે.
​​​​​​​

જામનગર અને દ્વારકા જીલ્લામાં છેલ્લા થોડા સમયથી હૃદય રોગના જીવલેણ હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે, બે દિવસ દરમ્યાન જામનગર અને દ્વારકાના ખંભાળીયામાં બે યુવાનના ભોગ લેવાયા છે જેના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application