લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતની ઘટનામાં વધુ બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. વિરમગામ હાઈવે પર રોંગ સાઈડ બેફામ દોડતી ટ્રકે બાઈકને ફંગોળી હતી. આ ગોઝારા અકસ્માતમાં એક સગીર અને એક યુવકનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું છે. બાઇકને ટક્કર માર્યા બાદ ટ્રક પણ પલટી ગઇ હતી, જોકે તેનો ચાલક અંધારાનો લાભ લઇને ફરાર થઇ ગયો છે.
ટ્રકના તોતિંગ ટાયર બાઈક સવાર યુવાનો પર ફરી વળ્યા
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભાસ્કરપરા ગામનો 17 વર્ષીય મહેશ (માયાભાઇ) લોરીયા અને 30 વર્ષીય કિશનભાઇ રેથલીયા બાઈક પર સવાર થઈને વિઠ્ઠલાપરાથી રામછાપરી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મોડીરાત્રે હાઈવે પર રોંગ સાઈડમાંથી પૂરપાટ ઝડપે ધસી આવેલી એક આઈસર ટ્રકના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રકના તોતિંગ ટાયર બાઈક સવાર યુવાનો પર ફરી વળ્યા હતા. જેના પરિણામે બંને યુવાનોને કોઈ પણ પ્રકારની તબીબી સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે તેમના કરુણ મોત નિપજ્યા હતા.
કાર ચાલક વાહન મૂકીને ફરાર
અકસ્માતની ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર આઈસર ટ્રક પણ પલટી ગઇ હતી. જોકે, તેનો કોઇ મદદ કર્યા વગર ટ્રક ઘટનાસ્થળે જ રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ વિરમગામ રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
પોલીસે બંને યુવાનોના મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહો પરિજનોને સોંપવામાં આવશે. હાલમાં વિરમગામ રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.