BREAKING NEWS

જસદણના કમળાપુર પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બે મિત્રોના ઘટનાસ્થળે મોત, અકસ્માત બાદ ટ્રક પલટી ખાઇ ગઇ

  • January 22, 2026 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ કમળાપુર ચોકડીથી આગળ ચોટીલા તરફ જવાના રસ્તે કાળમુખા ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક પર સવાર બે પરપ્રાંતીય યુવાનોને ગંભીર ઈજા થતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માતની આ ઘટનાના પગલે ભાડલા પોલીસ મથકના સ્ટાફે બનાવસ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.


ટ્રકના ચાલક અને ક્લીનરને ઇજા 

પરપ્રાંતીય યુવાનો મિત્ર વતનથી અહીં આવ્યો હોય જેથી તે મિત્રને મુકવા માટે ચોટીલા તરફ જતો હતો. દરમિયાન મોરબી તરફથી કપાસ ભરી આવી રહેલા ટ્રકે બાઇકને ઠોકરે લીધુ હતું. અકસ્માત બાદ ટ્રક પલટી ખાઇ જતા તેના ચાલક અને કલીનરને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માતની આ ઘટના અંગે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ પરથી ભાડલા પોલીસે આટકોટના ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


મોરબી તરફથી કપાસ ભરેલો ટ્રક આવી રહ્યો હતો 

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણના કમળાપુર ચોકડીથી આગળ ચોટીલા તરફ જવાના રસ્તે મોરબી તરફથી કપાસ ભરી આવી રહેલા ટ્રકે સામેથી આવી રહેલા બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક શંભુ બદરીયાભાઈ માંડવા (ઉ.વ. 28) અને બાઈક પાછળ બેઠેલ તેનો મિત્ર જીતેશ નાથાભાઈ કુમાર (ઉ.વ. 28) બંને રોડ પર પટકાયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગયો હતો અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શંભુ માંડવા અને તેના મિત્ર જીતેશકુમારના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે ટ્રક ચાલક અને ક્લીનરને પણ ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.


મૃતક એકને સંતાનમાં બે પુત્ર

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર શંભુ માંડવા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના હરદાસપુર ગામનો વતની હતો અને અહીં આટકોટ પાસે વાડીએ ખેતી કામ કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. શભુનો મિત્ર જીતેશ જે મધ્યપ્રદેશમાં જ રહેતો તે અહીં આવ્યો હોય જેથી તે મિત્રને મુકવા માટે ચોટીલા તરફ જતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતના આ બનાવ અંગે મૃતક શંભુભાઈના ભાઈ બહાદુર બદરિયાભાઈ માંડવા (ઉ.વ. 24 રહે. હાલ આટકોટ વિપુલભાઈ નંદાસણીયાની વાડીએ, મૂળ હરદાસપુર જી. અલીરાજપુર) દ્વારા અશોક લેલન ટ્રક નંબર જીજે 3 ટી 0911 ના ચાલક મુકંદરભાઈ રજાકભાઈ મુલતાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે ભાડલા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એન. જાંબુકિયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application