ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મથાવડા ગામમાં આવેલા તળાવમાં નહાવા પડેલા ચાર યુવાનો પાણીના ઊંડાણનો અંદાજ ન આવવાને કારણે એકાએક ડૂબવા લાગ્યા હતા. યુવકોએ જીવ બચાવવા માટે બૂમાબૂમ કરતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે સાહસ દાખવીને બે યુવાનોને સમયસર સહીસલામત બહાર કાઢી લીધા હતા, પરંતુ અન્ય બે યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોએ તળાવના ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરી હતી. કલાકો સુધી ચાલેલી ભારે જહમત અને રેસ્ક્યૂ ઓપરેશન બાદ બંને યુવકોના નિશ્ચેષ્ટ દેહ બહાર લાવવામાં આવ્યા હતા. આ કરૂણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં ૧૮ વર્ષીય તુષાર શિયાળ અને ૨૨ વર્ષીય મિલન શિયાળનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર, મૃતક મિલન શિયાળ ભાવનગરના પૂર્વ સાંસદ ભારતીબહેન શિયાળના પરિવારના સભ્ય હતા, જેના કારણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ શોકની લહેર ફરી વળી છે.
તળાવમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા બાદ ત્વરિત પોસ્ટમોર્ટમ અને આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અરેરાટી ઉપજાવનારી આ ઘટનાને પગલે સમગ્ર મથાવડા ગામમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે અને બંને યુવાનોના પરિવારજનોમાં ઘેરા શોકની કાલિમા વ્યાપી ગઈ છે.