BREAKING NEWS

UPI વપરાશકર્તાઓ માટે સારા સમાચાર, ડિજિટલ ટ્રાન્ઝેક્શન રહેશે બિલકુલ ફ્રી

  • February 02, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો તમે પણ ગ્રોસરી સ્ટોરથી લઈને મોટા શોરૂમ સુધી દરેક જગ્યાએ 'સ્કેન એન્ડ પે' કરવાના આદિ છો, તો તમારા માટે ખુશખબર છે! નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં સ્પષ્ટ કરી દીધું છે કે તમારું મનપસંદ UPI ટ્રાન્ઝેક્શન બિલકુલ ફ્રી રહેશે. સરકારે આ લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે કરોડો રૂપિયાની સબસિડીની જાહેરાત કરી છે.


શું UPI પર ચાર્જ લાગશે?
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ટેક જગતમાં એવી ચર્ચા હતી કે શું ભવિષ્યમાં UPI પેમેન્ટ કરવા માટે વધારાના પૈસા ચૂકવવા પડશે? આ મુંઝવણ પાછળનું કારણ આરબીઆઈ ગવર્નરનું એ નિવેદન હતું જેમાં તેમણે કહ્યું હતું કે "કશું જ મફત હોતું નથી." પરંતુ, સરકારે બજેટ દ્વારા આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. નાણામંત્રીએ UPI અને RuPay ડેબિટ કાર્ડ માટે ₹2000 કરોડની સબસિડી જાહેર કરી છે. નાણાકીય સેવા સચિવ એમ. નાગરાજુએ સ્પષ્ટ કર્યું કે આ જોગવાઈનો અર્થ એ છે કે સામાન્ય જનતા માટે ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે અને સરકાર તેના સંચાલનનો ખર્ચ ઉઠાવશે.


સાયબર ફ્રોડ અને સુરક્ષા

ડિજિટલ પેમેન્ટ વધવાની સાથે સાયબર ફ્રોડનો ભય પણ વધ્યો છે. આ અંગે નાગરાજુએ મહત્વના આંકડા રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે બેંકોની ટેકનિકલ ખામીને કારણે થતા સાયબર ફ્રોડનું પ્રમાણ ૩ ટકાથી પણ ઓછું છે. મોટાભાગના ફ્રોડ લોકોની અજ્ઞાનતા અથવા લિંક પર ક્લિક કરવા જેવી ભૂલોને કારણે થાય છે. જો લોકો સજાગ રહે, તો આ સમસ્યામાંથી સરળતાથી બચી શકાય છે.


બેંકિંગ સેક્ટરમાં મોટા ફેરફારો
બજેટમાં માત્ર UPI જ નહીં, પણ બેંકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સરકાર સરકારી બેંકોમાં સીધા વિદેશી રોકાણ (FDI) ની મર્યાદા હાલના ૨૦% થી વધારીને ૪૯% કરવા પર વિચાર કરી રહી છે. આનાથી બેંકો પાસે વધુ મૂડી આવશે અને તેઓ વધુ મજબૂત બનશે. 'વિકસિત ભારત'ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બેંકોને કેવી રીતે સજ્જ કરવી, તે માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. હાલમાં ભારતીય બેંકોમાં NPA (નબળી લોન) નું પ્રમાણ ઓછું છે અને નફો સારો છે, જે અર્થતંત્ર માટે શુભ સંકેત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application