બુધવારે શ્રીલંકાના દક્ષિણ કિનારા પર સબમરીન દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ ઈરાની નૌકાદળનું એક જહાજ ડૂબી ગયું. રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે આ હુમલામાં 80 લોકો માર્યા ગયા છે, ઘણા હજુ પણ ગુમ છે, જેમાં 32 લોકોની હાલત ગંભીર છે.
હિંદ મહાસાગરમાં આજે એક એવી ઘટના બની છે જેણે બીજા વિશ્વયુદ્ધ પછીના નૌકાદળ ઇતિહાસને હચમચાવી દીધો છે. શ્રીલંકાના દક્ષિણી તટ પાસે ઈરાની નૌસેનાના ગૌરવ સમાન યુદ્ધ જહાજ 'IRIS Dena' પર અમેરિકી સબમરીન દ્વારા કરવામાં આવેલા ટોર્પિડો હુમલામાં 80 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ હુમલા બાદ પશ્ચિમ એશિયાનું યુદ્ધ હવે હિંદ મહાસાગર સુધી વિસ્તરી ગયું છે.
શ્રીલંકાના નૌકાદળના પ્રવક્તા બુદ્ધિકા સંપથે કોલંબોમાં પત્રકારોને જણાવ્યું હતું કે જહાજ ડૂબી ગયું તે વિસ્તારમાંથી કેટલાક ઈરાની ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.
૧૮૦ લોકો જહાજમાં હતા, બચાવ કામગીરી ચાલુ
શ્રીલંકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જહાજમાં કુલ ૧૮૦ લોકો સવાર હતા, અને દુર્ઘટનાનો કોલ મળતાં, શ્રીલંકાએ બચાવ કાર્ય માટે નૌકાદળના જહાજો અને વાયુસેનાના વિમાન મોકલ્યા હતા.
શ્રીલંકાના આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારી ડૉ. અનિલ જયસિંહેના જણાવ્યા અનુસાર, ૭૯ લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એકની હાલત ગંભીર છે. અન્ય સાત લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે.
અમેરિકાનો સ્વીકાર
અમેરિકી સંરક્ષણ સચિવ (US Defense Secretary) પીટ હેગસેથે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે અમેરિકી સબમરીને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઈરાની યુદ્ધ જહાજને નિશાન બનાવ્યું છે. તેમણે ઉમેર્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ દુશ્મન જહાજ પર સબમરીન દ્વારા કરવામાં આવેલો આ પ્રકારનો પ્રથમ મોટો હુમલો છે.
યુદ્ધનો પાંચમો દિવસ
28 ફેબ્રુઆરી 2026 ના રોજ શરૂ થયેલું આ યુદ્ધ હવે અત્યંત ભયાનક તબક્કે પહોંચ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખૌમેનીના મોતના સમાચાર બાદ ઈરાનમાં સ્થિતિ વધુ વણસી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા તેહરાન સહિત ઈરાનના અનેક શહેરો પર સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં તેલના ભાવ અને દરિયાઈ વેપાર પર ગંભીર અસર પડવાની આશંકા છે.