ભાયાવદરના રાજપરા ગામે ભત્રીજાએ કાકાને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કર્યા બાદ આ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે પોલીસને બનાવ શંકાસ્પદ લાગતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરતા મૃતકની હત્યા થયાનું બહાર આવ્યું હતું. આ મામલે મૃતકના દીકરીએ તેમના પિતરાઈ ભાઈ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે. કાકા-ભત્રીજા વચ્ચે પૈસા મામલે ઝઘડો થતા મૃતકે તેને ઘરે જમવા આવવાની ના કહી હોય તેનો ખાર રાખી હત્યા નીપજાવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ભાયાવદરના રાજપરા ગામે રામ મંદિર પાસે રહેતા દેવીબેન કાનાભાઈ જોગ(મેર)(ઉ.22) એ પોતાની ફરિયાદમાં તેમના પિતરાઈ ભાઈ વિરમ ભુપતભાઈ જોગનું નામ આપ્યું છે. દેવીબેનએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા કાનાભાઈ અને માતા રૂપીબેન ચારોલીયા ગામે આવેલી આઠ વીઘા જમીનમાં ખેતી કામ કરી પરિવારને ચલાવે છે.
કાકા ભુપતભાઈનો દીકરો વિરમ જેના પાંચેક વર્ષ પહેલા તેમની પત્ની વનિતા સાથે છૂટાછેડા થઈ ગયા હોય જેથી વિરમભાઈ પહેલા કેશુભાઈના ઘરે જમતા હતા અને છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી દેવીબેનના ઘરે જમે છે. અને ખેતી કામમાં મદદ કરે છે ચારેક દિવસ પહેલા દેવીબેનના પિતા કાનાભાઈને વિરમ સાથે પૈસા બાબતે બોલાચાલી થઈ હતી.ત્યારે તેને ઘરે જમવા આવવાની ના કહી હતી. ત્યારબાદ દેવીબેન બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
આ ઘટના બાદ તા.9/12ના રોજ દેવીબેન અને તેમના પરિવારજનો ઘરે હતા ત્યારે તેમને વિરમે ફોન કરી જણાવ્યું કે, કાકા કાનાભાઈ સ્કૂટર ઉપરથી પડી ગયા છે અને તેમને ઇજા થઈ છે અને તેઓને વાડીએ આવવાનું કહેતા તમામ પરિવારજનો વાડીએ પહોંચ્યા હતા. ત્યારે ત્યાં જઈને જોયું તો કાનાભાઈ મેરૂભાઈ જોગ કે જેઓ મૃત હાલતમાં પડ્યા હતા. તેમને કપાળ અને નેણ તેમજ જમણા નસકોરા બાજુમાં ઇજા થઈ હતી અને તેમને લોહી નીકળતું હતું આ આ સમયે જણાવ્યું કે,કાકા બાઈક લઈને ભાગ તરફ જતા હતા ત્યારે તેમનું બાઈક સ્લીપ થયું હતું અને હું તેમને અહીં લાવ્યો છું આ ઘટનામાં બાઈક જોતા બાઈક નો આગળનો ભાગ તુટી ગયેલી હાલતમાં હતો અને લાઈટ પણ તૂટી ગયેલી હાલતમાં હતી.
આ ઘટના બાદ ભાયાવદર પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તેમને બનાવ શંકા સ્પદ લાગતા મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને જેમાં કાનાભાઈનું મોત બોથડ પદાર્થના ઘા ઝીંકી થયું હોવાનું બહાર આવતા પોલીસે વિરમને સકંજામાં લઇ સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેમણે જ ઝઘડાનો ખાર રાખી તીક્ષણ હથિયાર અને બોથડ પદાર્થના ઘા ફટકારી હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.આ મામલે દેવીબેની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ અંગે વધુ તપાસ પીઆઇ વી.સી.પરમાર ચલાવી રહ્યા છે.