BREAKING NEWS

કમોસમી વરસાદથી રાજકોટ જિલ્લામાં 4.30 લાખ હેકટરમાં ખેતીવાડીને 33 ટકાથી વધુ નુકસાન

  • November 05, 2025 09:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તાજેતરમાં રાજયભરમાં થયેલા કમોસમી વરસાદથી કૃષિ પેદાશને મોટા પાયે અસર થઈ છે. સરકારે ખેડૂતોને ખેત પેદાશમાં થયેલ નુક્સાનીના વળતરનો અંદાજ મેળવવા માટે તાત્કાલિક સર્વે હાથ ધરવા સંલગ્ન વિભાગને સુચના આપી હતી.

જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં ૧૦૨ જેટલી ટીમો દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા જિલ્લાના કુલ ૬૫૨ ગામોમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું ખેતીવાડી વિભાગ રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા સાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા અને વિંછીયા તાલુકામાં કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી જેવા ખેતી અને બાગાયતી પાકોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે મગફળીના પાકના પાથરા પલળી જવા, પાથરામાં રાખેલા ખેતપેદાશો વરસાદને લીધે ઉગી જવી, કપાસના પાકમાં જીંડવા ખરી જવા કે ઉગી જવા, સોયાબીનના પાકમાં પાથરા પલળી જવા કે ઉગાવો નીકળી જવા જેવી નુકસાની થવા પામી છે. સાથોસાથ દિવેલા, તુવેર, ઘાસચારો વગેરે પાકોમાં થયેલ નુકસાનીની વિગતો પણ સર્વેમાં સામેલ કરવામાં આવેલી છે.

સર્વેની તાલુકા પ્રમાણે કરાયેલી કામગીરીની વિગતો મુજબ ધોરાજી તાલુકાના તમામ ૩૬ ગામો, ગોંડલ તાલુકામાં ૮૭, જામકંડોરણામાં ૪૭, જસદણમાં ૬૦, જેતપુરમાં ૫૫, કોટડા સાંગાણીમાં ૪૧, લોધિકામાં ૩૮, પડધરીમાં ૫૮, રાજકોટ તાલુકામાં ૧૨૯, ઉપલેટામાં ૫૫ ગામો અને વીંછીયામાં ૪૬ ગામો મળીને તમામ ૬૫૨ ગામોમાં સર્વે કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવી છે.

સરવેની કામગીરી જેમ જેમ ચાલુ હતી તેમ તેમ દરરોજ બપોરે 4:00 વાગ્યે તે ઓનલાઈન રાજ્ય સરકારને મોકલવામાં આવતી હતી અને કામગીરી સંપૂર્ણ રીતે પૂરી થયા પછી હવે પૂરેપૂરો રિપોર્ટ પણ સરકારમાં સબમીટ કરી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application