ગઈકાલે સાંજથી વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવ્યો હતો અને રાજકોટ પોરબંદર દ્વારકા જેતપુર ટંકારા માંગરોળ જામનગર જુનાગઢ રાપર અને વાવ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે હવામાન ખાતાના ચોપડે તો માત્ર રાજકોટ દ્વારકા પોરબંદર વાવ અને રાપરમાં માવઠું થયાનો ઉલ્લેખ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગઈકાલે સવારથી જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું હતું અને સાંજે માવઠું થયું હતું. હવામાન ખાતાની સત્તાવાર આંકડાકીય માહિતી મુજબ રાજકોટમાં છ, દ્વારકામાં પાંચ પોરબંદરમાં ત્રણ બનાસકાંઠાના વાવમાં અને કચ્છ જિલ્લાના રાપરમાં એક -એક મીલીમીટર વરસાદ થયો છે. વરસાદ અને વાદળીયા વાતાવરણના કારણે ગઈકાલે સાંજથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો એકમાત્ર સુરતને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં ગઈકાલે મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી નીચે આવી ગયું હતું. આજે પણ ભુજમાં 94 રાજકોટમાં 88 પોરબંદરમાં ૯૦ સુરતમાં 91% ભેજ સવારે નોંધાયો છે. ગરમીનું પ્રમાણ પણ સવારથી એકાએક વધી ગયું છે. માવઠાના કારણે રાયડો એરંડા જીરુ અને ઘઉં ને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. એકાએક આવી પડેલા આ વરસાદના કારણે થર્ટી ફર્સ્ટ ના ઉજવણીના આયોજન પર અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા હતા.
ઠંડી સાવ ગાયબ: લઘુતમ તાપમાનમાં સામાન્યથી જોરદાર વધારો
ગઈકાલે સાંજે માવઠું થવાના કારણે અને વાદળીયું વાતાવરણ હોવાથી મહત્તમ તાપમાનનો પારો લાંબા સમય પછી 30 ડિગ્રીથી નીચે આવી ગયો હતો. જોકે માવઠાની અસર બીજા જ દિવસે નાબૂદ થઈ ગઈ છે અને આજે લઘુતમ તાપમાનમાં સામાન્યથી ચાર ડિગ્રી જેટલો જોરદાર વધારો થયો છે. ઠંડી સાવ ગાયબ થઈ ગઈ હોય તેવું લાગે છે. અમરેલીમાં ગઈકાલે 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન હતું તે આજે 17.6 ડિગ્રી થઈ ગયું છે.ભાવનગરમાં ત્રણ ડિગ્રીના વધારા સાથે આજે 19.6 પોરબંદરમાં દોઢ ડિગ્રીના વધારા સાથે આજે 16 રાજકોટમાં દોઢ ડિગ્રીના વધારા સાથે આજે 16.3 અને વેરાવળમાં પણ દોઢ ડીગ્રીના વધારા સાથે આજે ૨૦.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
અત્યાર સુધી ગિરનાર પર્વત ઉપર સિંગલ ડિજિટમાં લઘુતમ તાપમાન હતું તે પણ આજે 13.9 ડિગ્રીએ પહોંચી ગયું છે. નલિયામાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. ગઈકાલે 15.6 અને આજે 12.2 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ભુજમાં પણ ઠંડી વધી છે. ગઈકાલે 16.6 અને આજે 14.8 ડીગ્રી લઘુતમ તાપમાન ભુજમાં નોંધાયું છે.