BREAKING NEWS

જગતના તાત પર આફતના વાદળો મંડરાયા, ગુજરાતના 8 જિલ્લામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં માવઠું પડશે

  • February 02, 2026 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આજે સોમવાર ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 8 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી જાહેર કરી છે. ભર શિયાળે વરસાદની સંભાવનાએ ખેડૂતો સહિત સામાન્ય જનતામાં ચિંતા જગાવી છે.


આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ અને ભરૂચ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠું પડી શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ફેરફાર

આગાહી વચ્ચે પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક ફેરફાર નોંધાયો હતો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણાં પંથકમાં તેમજ મહીસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં માવઠું પડ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે, કારણ કે ઘણા વિસ્તારોમાં લણણીની કામગીરી ચાલી રહી છે અથવા પાક ખેતરમાં ખુલ્લો પડ્યો છે.


ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા અનુરોધ

કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વરસાદને કારણે ઊભા પાક તેમજ લણણી કરેલા પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે. એવા ખેડૂતો જેમણે પાક કાપી લીધો છે અને ખેતરમાં ખુલ્લો રાખ્યો છે, તેમને તાત્કાલિક ધોરણે પાકને સલામત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી સારી રીતે ઢાંકી દેવો જોઈએ.


યાર્ડમાં પાકો લઈને આવતા ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ

આ ઉપરાંત વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ ટાળવા પણ સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ વાવેતર માટે રાખેલા બિયારણ અને ખાતરનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવો જરૂરી હોવાનું પણ જણાવાયું છે. એ.પી.એમ.સી. માર્કેટમાં માલ લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને પણ સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે. ખેતપેદાશોને બજાર સમિતિના શેડ નીચે રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવાની સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે ખેડૂતોએ કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application