BREAKING NEWS

સૌરાષ્ટ્રની આ નગરપાલિકાઓમાં ખાલી પડેલી ચીફ ઓફિસરોની જગ્યા નિવૃત્તોથી ભરાશે, 62 વર્ષની વય મર્યાદા

  • February 03, 2026 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભણેલા ગણેલા લાખો યુવાનો નોકરીની તલાશમાં ચક્કર કાપી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર જેવી અત્યંત મહત્વની ગણાતી જગ્યાઓ પર કોન્ટ્રાક્ટ બેઝ પર સરકારમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે.


'અ'વર્ગની પાલીતાણા 'બ' વર્ગની સિહોર અને કોડીનાર 'ક' વર્ગની તળાજા, બાબરા, ધારી, માણાવદર અને 'ડ' વર્ગની વલભીપુર નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની જગ્યાઓ ખાલી પડી છે. આ તમામ જગ્યાઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરવા અને તેમાં નિવૃત્ત સરકારી અધિકારીઓને જ લાયક ગણવાનો નિર્ણય લેવાયો છે.


સરકારના આ નિર્ણય મુજબ નિવૃત્ત મામલતદાર, નાયબ મામલતદાર, ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓ ઉપરાંત મહાનગરપાલિકા, હાઉસિંગ બોર્ડ, પાણી પુરવઠા બોર્ડ, જળસંપતિ વિકાસ વિભાગ અને જિલ્લા પંચાયતો જેવી સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં ફરજ બજાવી ચૂકેલા નાયબ કાર્યપાલક ઈજનેરો, સિવિલ મિકેનિક વર્ગ-૨ અરજી કરી શકશે.


ઉમેદવાર તરીકે પસંદ થયા પછી આવા અધિકારીઓને તેમના વર્ગ મુજબ અને જે તે નગરપાલિકાના સંવર્ગ મુજબ રૂપિયા 30,000 થી માંડી રૂપિયા 60 હજારનો વાર્ષિક પગાર નક્કી કરવામાં આવ્યો છે. પગાર સિવાય અન્ય કોઈ પ્રકારના ભથ્થા કે લાભ આપવામાં નહીં આવે.


ચીફ ઓફિસરની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની વય મહત્તમ 62 વર્ષની નક્કી કરવામાં આવી છે. ખાતાકીય તપાસ ચાલુ હોય તેવા નિવૃત્ત સરકારી કર્મચારીઓ અરજી કરી શકશે નહીં. અરજી સાથે છેલ્લા પાંચ વર્ષના સરકારી કર્મચારી તરીકેના જે તે વખતના કોન્ફિડન્સીયલ રિપોર્ટ (સીઆર) અથવા તો તેનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. તારીખ 10 ફેબ્રુઆરી સુધીમાં નગરપાલિકાઓ કચેરીના પ્રાદેશિક નિયામક ભાવનગર ઝોન ,મહાત્મા ગાંધી સદન મોતીબાગ ખાતે અરજી મોકલવાની રહેશે. જો તારીખ 10 ફેબ્રુઆરી સુધીમાં પૂરતા પ્રમાણમાં અરજીઓ નહીં આવે અને ઇન્ટરવ્યૂ પછી પણ જગ્યાઓ ખાલી રહેશે તો તારીખ 31 ડિસેમ્બર 2026 સુધી અરજીઓ કરી શકાશે તેમ પણ જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application