દેશની પહેલી 'વંદે ભારત સ્લીપર' ટ્રેન પાટા પર દોડવા માટે તૈયાર છે, પરંતુ આ હાઈટેક ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા તમારે તેના રિફંડ અને કેન્સલેશનના કડક નિયમો જાણી લેવા ખૂબ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં હાબડા અને કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારતને લીલી ઝંડી બતાવી છે. જોકે, આ પ્રીમિયમ ટ્રેનમાં જો તમે ટિકિટ બુક કર્યા પછી પ્લાન બદલો છો, તો તમારે મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.
રિફંડના નવા અને કડક નિયમો
રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા નવા નોટિફિકેશન મુજબ, વંદે ભારત સ્લીપર માટે કેન્સલેશન ચાર્જ વિમાનની ટિકિટ જેટલા જ મોંઘા રાખવામાં આવ્યા છે:
8 કલાકથી ઓછો સમય: જો તમે ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા સુધી ટિકિટ કેન્સલ નહીં કરાવો, તો ઝીરો રિફંડ મળશે. એટલે કે તમારા પૂરેપૂરા પૈસા રેલવે જપ્ત કરી લેશે.
8 થી 72 કલાકની વચ્ચે: જો તમે મુસાફરીના 72 કલાકથી લઈ 8 કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરાવો છો, તો ભાડાના સીધા 50% કપાઈ જશે. તમને માત્ર અડધી રકમ જ પાછી મળશે.
72 કલાકથી વધુ સમય: જો તમે મુસાફરીના 3 દિવસ (72 કલાક) પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો, તો પણ 25% રકમ કાપી લેવામાં આવશે.
RAC સુવિધાનો અંત
સામાન્ય ટ્રેનોમાં ટિકિટ કન્ફર્મ ન હોય તો RAC (Reservation Against Cancellation) દ્વારા મુસાફરોને અડધી સીટ મળતી હતી, પરંતુ વંદે ભારત સ્લીપરમાં રેલવેએ આ સુવિધા સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. કાં તો ટિકિટ કન્ફર્મ હશે અથવા તો વેઈટિંગમાં રહેશે, RAC જેવો કોઈ વિકલ્પ મુસાફરોને નહીં મળે.
અન્ય મહત્વના ફેરફારો
કોટામાં કાપ: આ ટ્રેનમાં તમામ પ્રકારના વીઆઈપી કે સામાન્ય કોટા લાગુ પડશે નહીં. માત્ર મહિલાઓ, દિવ્યાંગો, સિનિયર સિટિઝન અને ડ્યુટી પાસ ધારકો માટે જ નિર્ધારિત કોટા માન્ય રહેશે.
લઘુત્તમ ભાડું: આ ટ્રેન માટે લઘુત્તમ અંતર 400 કિલોમીટર નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે જો તમે ઓછું અંતર કાપશો તો પણ તમારે 400 કિમીનું લઘુત્તમ ભાડું તો ચૂકવવું જ પડશે.
સમયની બચત: હાબડા-ગુવાહાટી રૂટ પર આ ટ્રેન મુસાફરીના સમયમાં અંદાજે અઢી કલાકનો ઘટાડો કરશે.
શા માટે આટલા કડક નિયમો?
રેલવેનો ઉદ્દેશ્ય મુસાફરોને એરલાઇન જેવો અનુભવ આપવાનો છે. જે રીતે વિમાનમાં છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરાવવા પર રિફંડ મળતું નથી, તે જ મોડેલ વંદે ભારત સ્લીપરમાં અપનાવવામાં આવ્યું છે જેથી માત્ર ગંભીર મુસાફરો જ બુકિંગ કરાવે અને સીટ ખાલી ન રહે.