જામનગરમાં સરકારી આવાસ માટે પસંદગી પામેલા ૧૮ લાભાર્થીના માલીકીના મકાનની ખરાઇ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મહાનગરપાલીકાની સ્લમ શાખાએ ચકાસણી માટે મિલકતવેરા શાખાને યાદી મોકલી આપી છે. પરંતુ આ યાદીમાં મિલકતના નંબર એટલે કે એસીસી નંબર ન હોવાથી કેટેગરી, નામ, અરજી નંબર, સરનામું, મોબાઇલ નંબર હોય આ યાદીથી ચકાસણીમાં વિલંબની શકયતા નકારી શકાતી નથી.
જામનગર મહાનગરપાલીકા હસ્તકની ટીપી સ્કીમ નંબર ૧, એફપી-૬૩ વાળી જગ્યામાં આવેલી અરજીનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો તા.૧૨-૦૫-૨૦૨૩ના કરાવમાં આવ્યો હતો. જે પૈકી વેઇટીંગ યાદીમાંથી પસંદગી પામેલા ઓબીસી, જનરલ અને એસી કેટેગરી મળી કુલ ૧૮ આસામીઓની યાદી મનપાની સ્લમ શાખાએ હાઉસટેકસ શાખાને મોકલી છેે. જેમાં આ તમામ આસામીઓના જામનગર શહેરમાં માલીકીનું મકાન છે કે કેમ? તે અંગે ખરાઇ કરવા ૧૮ આસામીઓનો ડેટા હાઉસ ટેકસ રેકર્ડ સાથે ચકાસણી કરી આ વિગતો શાખામાં મોકલી આપવા અનુરોધ કર્યો છે. સરકારી આવાસ માટે પસંદગી પામેલા આ આવાસના લાભાર્થીઓમાં જનરલ ૬, એસસી ૭ અને ૫ ઓબીસી લાભાર્થીનો છે. કુલ ૧૮ આસામીમાંથી ૧૧ પુષ અને ૭ મહીલા લાભાર્થીનો સમાવેશ થાય છે.
મનપાની સ્લમ શાખાએ જે યાદી મિલકતવેરા શાખાને મોકલી છે તેમાં પસંદગી પામેલા આસામીની કેટેગરી, એપ્લીકેશન નંબર, નામ, સરનામું, મોબાઇલ નંબર અને વેઇટીંગ નંબરનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, સંબંધીત આસામીઓની મિકલતના એસીસી નંબર હોય તો ઘરનું મકાન છે કે કેમ તેની માહીતી મેળવવામાં સરળતા રહે.
પરંતુ યાદીમાં તે ન હોય નામ અને સરનામ પરથી અસામીઓ પાસે માલીકીનું મકાન છે કે કેમ તે શોધવામાં વિલંબની શકયતા નકારી શકાતી નથી. ઉપરાંત એકસરખા નામને કારણે પણ સવાલો ઉભા થવાની સંભાવના હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે હાઉસટેકસ શાખાની ચકાસણી બાદ કેટલા આસામીઓ પાસે માલીકીનું મકાન છે તે વિગતો સ્પષ્ટ થશે. જો કોઇ આસામીને માલીકીનું મકાન હશે તો તેને નિયમ મુજબ આવાસની ફાળવણી થશે નહીં.