BREAKING NEWS

માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો બગદાણાના યુવાન પર હુમલો કરનાર આરોપીઓ સાથેનો વીડિયો વાઇરલ

  • January 02, 2026 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈ હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે કરેલી ટીપ્પણી બાદ માફી માગવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે માયાભાઈ આહીર અને તેમના પુત્ર જયદેવ આહીર સાથે ફોન પર વાતચીત કરનાર નવનીત બાલધિયા નામના યુવક પર આઠ શખસો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે જયરાજ આહિરનો આરોપીઓ સાથેનો કથિત વીડિયો વાઇરલ થયો છે. 


હાલ, સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં માયાભાઈ આહીરના ફાર્મ હાઉસ પર પુત્ર જયરાજ આહીર જોવા મળી રહ્યો છે. આ કથિત વીડિયોમાં જયરાજ આહીર અને તેની સાથે આરોપીઓ પણ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ મીટિંગ બાદ હુમલો થયો હોવાની અટકળો લગાવાઈ રહી છે. જોકે, આજકાલ ડિજિટલ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.


બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હુમલાના મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ આઠ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ સેરડાને પોલીસે દબોચી લીધા છે. ગઈકાલે આ તમામ આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈને રિકન્ટ્રક્શન કર્યું હતું.


શું છે સમગ્ર મામલો

મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનું નામ લીધું હતું. જોકે બાદમાં નવનીત બાલધિયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી કરાયા નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેની દાઝ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. 


હાલ ભાવનગર જિલ્લાના બગદાણામાં થયેલી મારામારીની ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે. બગદાણાના નવનીત બાલધિયા નામના વ્યક્તિ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે 8 શખ્સો પૈકીના 4 આરોપી નાજુ કામળિયા, રાજુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળીયાનાના 48 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓના રિમાન્ડ આવતીકાલે બપોરે 4 કલાકે પૂર્ણ થશે. જ્યારે અન્ય 4 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. આ બનાવની ગંભીરતાને જોતા ફરિયાદમાં BNS કલમ 109 (IPC 307)ની કલમનો ઉમેરો કરાયો છે. જોકે, આ મામલે ઘણા નવા વળાંકો આવ્યા છે. કોળી સમાજ પણ મેદાને આવ્યો છે. 


મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક 29 ડિસેમ્બરની મોડી રાતે આઠ શખ્સોએ યુવક પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જે બાદ આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પીડિત યુવકે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે મહુવાના ઈન્ચાર્જ DYSPએ દાવો કર્યો હતો કે દારૂની બાતમી આપ્યાની શંકાના કારણે નવનીતભાઈ પર હુમલો થયો હતો. 


પોલીસ સામે પણ કેમ છે રોષ? 

સમગ્ર કેસમાં પીડિતે લોક કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજનો દોરીસંચાર હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે PI અને DYSPએ પ્રાથમિક તપાસમાં જ જયરાજની કોઈ સંડોવણી નથી તેમ કહી ક્લીનચીટ આપી હતી.  આ મામલે જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડેએ જણાવ્યું છે, કે પ્રાથમિક તબક્કે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કેસ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હોય તેવી કોઈ વાત જ નથી. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે કોઈને છોડવામાં નહીં આવે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News