'હું પૂરા હોશોહવાસથી કહું છું, ગમે ત્યારે હું મરી જાઉં. બને તો હું ઘરેથી સોગંદનામું કરી આવીશ. કદાચ રજા મળે ન મળે, ઘરે ન ગયો હોઉં તો મારા બા-બાપુનો જમીનમાં, મકાનમાં જે ભાગ આવ્યો હોય તેમાં મારે કાંઈ લેવા દેવા નથી. મારે અને મારી પત્નીને બનતું નથી. હું મરી જાવ તો મારી પત્નીનો હક્ક નહીં. જે ગરાસ આવ્યો એમાં મારી ઘરવાળી અને મારે કોઈ હક્ક નથી. મારી ઘરવાળી મારા ભેગી રહેતી નથી, એની માતાના ઘરે રહે છે. જમીન-મકાન એને પણ નહીં. હું મરી જાવ તો મારા મોતનું જવાબદાર બે વ્યક્તિ થશે. એક એની બેન કિરણબા જે મને માનસિક ટોર્ચર કરે છે. મારા પાટલા સાસુ થાય છે, આમ મારા મામી થાય. એના છૂટાછેડા થયા છે. બીજા એના ભાણેજ જયપાલ જે મને ધમકીઓ આપે છે. આ મારા મોતના જવાબદાર રહેશે. મારા મરી ગયા પછી બધુ મારા ભાઈ અને મારી બહેન રંજબાને જશે. બાકી મારી ઘરવાળીનો કોઈ હક્ક નથી. કાલ મારાથી સોગંદનામું થાય કે ન થાય પણ આમાં મારી ઘરવાળીનો કોઈ હક્ક રહેશે નહીં' આ શબ્દો છે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં સર્વિસ રાયફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કરનાર એસઆરપી જવાન ગજુભા જીલુભા રાઠોડના. જેણે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો તેમાં બોલે છે.
શું છે સમગ્ર ઘટના?રાજકોટ પોલીસ કમિશન કચેરીમાં એસઆરપી જવાને રાત્રીના ફરજ દરમિયાન સર્વિસ રાયફલથી પોતાની જાતે છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા સમગ્ર પોલીસ બેડામાં અરેરાટી મચી જવા પામી છે. ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં રહેતા ગજુભા રાઠોડ પોલીસ કમિશનર કચેરીમાં નાઈટ ડ્યુટીમાં હતા ત્યારે મધ્ય રાત્રીના આ પગલું ભરી લીધું હતું. ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલએ દોડી ગયા હતા.
ગોળીનો અવાજ આવતા જ અન્ય જવાનો દોડી ગયા
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ કચ્છના રાપરના વતની અને હાલ રાજકોટ-જામનગર રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં રહેતા અને પોલીસ કમિશનર કચેરી ખાતે એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા ગજુભા જીલુભા રાઠોડ (ઉ.વ.50) રાત્રીના પોલીસ કમિશનર કચેરીએ નાઈટ ડ્યુટીમાં તેમની ફરજ પર હતા ત્યારે સાડા ત્રણેક વાગ્યે કમિશનર કચેરીમાં આવેલા ગેઇટ નંબર-3 પાસે જઈ પોતાની સર્વિસ રાયફલમાંથી છાતીમાં ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો. ગોળીનો અવાજ આવતા જ રાત્રીના ફરજ પરના પોલીસ કર્મચારીઓ સહિતના દોડી ગયા હતા અને ગજુભાની લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત નીવડતા દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલે દોડી જઈ વિગતો મેળવી હતી.
ગજુભા રાઠોડને સંતાનમાં બે દીકરી
આપઘાત કરનાર એસઆરપી જવાન ગજુભા રાઠોડને સંતાનમાં બે દીકરી છે, તેઓ છેલ્લા ચાર મહિનાથી પોલીસ કમિશનર કચેરીમાં એસઆરપી તરીકે ફરજ બજાવતા હતા. અગાઉ માલવિયાનગર પોલીસમથકમાં પીસીઆર વાનમાં ફરજમાં હતા. ક્યાં કારણોસર પગલું ભર્યું તે અંગે પરિવારજનો કાંઈ બોલવા તૈયાર ન હોય પ્ર.નગર પોલીસે તપાસ યથાવત રાખી છે. આધેડના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. સાથે પોલીસ વર્તુળમાં પણ ગમગીની છવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સ્યુસાઈડના બનાવ રોજ બરોજ બનતા રાજ્યનું સ્યુસાઇડ એપી સેન્ટર બની ગયું હોવાનું સંભવિત જણાઈ રહ્યું છે. બે દિવસ પહેલા જ હજુ બજરંગવાડીમાં નિવૃત એએસઆઇએ પોતાની રિવોલ્વરથી લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હોવાની ઘટના હજુ તાજી જ છે ત્યાં વધુ એક પોલીસ જવાને આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે.