BREAKING NEWS

રાજકોટમાં વોલ્વો કારે અકસ્માતની હારમાળા સર્જી, ટોળાએ માર મારી ચાલકને અધમુઓ કર્યો, જુઓ તસવીરો

  • May 13, 2026 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં અમદાવાદના તથ્યકાંડ જેવો બનાવ સ્હેજમાં રહી ગયો હતો, નાના મવા ચોકથી આગળ બાલાજી હોલ પાસે લકઝરીયસ વોલ્વો કારના ચાલકે પુરપાટ ઝડપે કાર હંકારી ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાના પગલે લોકોની નાશભાગ મચી જવા પામી હતી અને કાર ચાલક નબીરાને લોકોના ટોળાએ બેફામ મારમારતા પોલીસે બચાવી સારવાર માટે ખસેડ્યો હતો. અકસ્માતમાં ચાર જેટલા વ્યક્તિઓને નાની મોટી ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા. શહેરમાં અકસ્માતની ઘટના ટોપ ઓફ ઘી ટાઉન બની છે.


ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ટ્રાફિકથી સતત ધમધમતા 150 ફૂટ રિંગ રોડ પર મહાપુજા ધામ પાસે આજે સવારે રોડ પર જઈ રહેલી વોલ્વો લકઝરી કાર અચાનક આગળ જતીઅલ્ટો. ઓરા, ક્રેટા અને એક્સયુવી મળી એમ ચાર જેટલી કારને ઠોકર મારતા રાહદારીઓ જીવ બચાવવા આમ તેમ દોડી ગયા હતા. અકસ્માતના પગલે વાહનમાં સવાર ચાર જેટલા લોકોને નાની મોટી ઇજા થઇ હતી. ઉપરાંત વાહનોમાં પણ ભારે નુકશાન થયું હતું. સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ જતા અકસ્માતની હારમાળા સર્જનાર વોલ્વો કારના ચાલકને કારમાંથી બહાર કાઢી બેફામ મારમારતા ટ્રાફિક પોલીસ દોડી ગઈ હતી અને યુવકને વધુ મારમાંથી બચાવી સારવાર માટે 108 મારફતે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકનું નામ ધવલ મહેશભાઈ પીપળીયા (રહે-નાના મવા, રાજ રેસીડેન્સી)નો હોવાનું અને બાંધકામનો ધંધાર્થી હોવાનું સામે આવ્યું છે.


બનાવના પગલે માલવીયાનગર પોલીસ પણ દોડી ગઈ હતી અને અકસ્માત સર્જનાર યુવક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. નબીરાએ સર્જેલા અકસ્માતને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application