મધ્ય-પૂર્વના દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિએ ગુજરાતના અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી વગાડી છે. જો આ સંઘર્ષ લાંબો સમય ચાલશે, તો રાજ્યના આઠથી દસ મુખ્ય ઉદ્યોગોને પાયમાલ કરી શકે છે. ખાસ કરીને નિકાસ આધારિત ઉદ્યોગોમાં અત્યારથી જ ઓર્ડર કેન્સલેશન અને પેમેન્ટ અટકાવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ થતા પ્રવાસન ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ટુર ઓપરેટરોનું માનવું છે કે જો સ્થિતિ ન સુધરે તો અંદાજે રૂ.50 કરોડનું નુકસાન થઈ શકે છે.
ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો જેવા કે સુરત, અમદાવાદ, મોરબી અને જામનગર પર આ યુદ્ધની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.
સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મધ્ય-પૂર્વના દેશોમાં મોટા પાયે નિકાસ કરે છે. યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ ખોરવાતા કાપડની નિકાસ અટકી છે. બીજી તરફ, આરબ દેશોમાં એરંડા, મગફળી અને કપાસની માગ ઘટતા સ્થાનિક બજારમાં ખેડૂતોને મળતા ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ તેના ઉત્પાદન માટે જરૂરી ગેસ સપ્લાય માટે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ના દરિયાઈ માર્ગ પર નિર્ભર છે. આ માર્ગ બંધ થતા ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચશે. ભરૂચ અને દહેજના પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગમાં પણ ક્રૂડ ઓઈલના ભાવ વધતા કાચા માલની કિંમતો વધી રહી છે.
યુરોપ અને અમેરિકામાં જ્વેલરીની માગ ઘટતા હીરા ઉદ્યોગમાં મંદીનું જોખમ છે. ફાર્મા ક્ષેત્રે 'એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ'ની આયાત મોંઘી થતા સામાન્ય દવાઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે. કંડલા, મુંદ્રા અને પીપાવાવ જેવા ગુજરાતના મુખ્ય બંદરો પરથી થતી વૈશ્વિક સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. કન્ટેનરના ભાડામાં થયેલો વધારો અને પરિવહનમાં થતો વિલંબ સીધી રીતે મોંઘવારીમાં પરિણમી રહ્યો છે.
આમ, ભૌગોલિક રીતે દૂર હોવા છતાં, ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષ ગુજરાતના વેપાર, રોજગાર અને મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધી અસર પાડી રહ્યો છે. જો આ સંઘર્ષ ટૂંક સમયમાં નહીં થંભે, તો આગામી દિવસોમાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની શકે છે.