BREAKING NEWS

બોર્ડની પરીક્ષામાં બુટ મોજા પહેરી જવા પર પ્રતિબંધ: ધો. 10 ના પેપરો જિલ્લામાં મથકોએ મોકલાયા

  • February 14, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ આગામી તારીખ 26 થી શરૂ થવાની છે ત્યારે બોર્ડે વિદ્યાર્થીઓને બુટ -મોજા સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

બોર્ડની સત્તાવાર જાહેરાત મુજબ ધોરણ 10 ના કોઈ વિદ્યાર્થીને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. ધોરણ 12 ના પરીક્ષાઓ સાદું કેલ્ક્યુલેટર લઈ જઈ શકશે પરંતુ કોઈ પણ સંજોગોમાં સાયન્ટિફિટ કેલ્ક્યુલેટર સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ ઉપરાંત મોબાઇલ, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર શરૂ થવાના સમયથી અડધો કલાક પહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ મેળવી લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

બોર્ડની આ પરીક્ષામાં 99 કેદીઓએ પણ ફોર્મ ભર્યા છે. જેમાં ધોરણ 10 માં 59 અને ધોરણ 12 માં 40 પરીક્ષાર્થીઓ છે. આ માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની જેલમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.

ધોરણ દસમાં 9,07,175, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,19,263 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,01,286 પરીક્ષાર્થીઓ નોંધાયા છે.

બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10ની પરીક્ષાના પ્રશ્નપત્રો મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મોટાભાગના જિલ્લા મથકોએ આજે પ્રશ્નપત્ર મોકલી દેવાયા છે. અને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવાયા છે. આવા સ્ટ્રોંગ રૂમ ની આસપાસ રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત ફાળવી દેવાયો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રો પણ થોડા દિવસોમાં જ જિલ્લા કક્ષાના કેન્દ્રોમાં મોકલી દેવામાં આવશે.

વિદ્યાર્થીઓને દરેક પ્રશ્નપત્રમાં 15 મિનિટનો વધુ સમય પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવવામાં આવ્યો છે. આ સમયમાં ઉત્તરવહીની વિગતો પણ તેમણે ભરી દેવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application