વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે નવયુવાનોને તક આપવી જરૂરી

  • June 14, 2023 12:32 PM 

લંડનના ઓવેલ ક્રિકેટ મેદાનમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની ટીમ શરમજનક રીતે હારી ગઈ છે અને ક્રિકેટ તો રમત છે અને રમતગમતમાં હાર-જીત તો થઇ શકે છે તેવા લુખ્ખા આશ્વાસનને પણ લાયક નથી રહી. જયારે કોઈ ટીમ ફાઈનલ રમતી હોય ત્યારે તેનામાં ગજબની ઉર્જા જોવા મળતી હોય છે પણ ભારતની ટીમના એક પણ ખેલાડીમાં આવી ઉર્જા જોવા મળી નહી. આઈ.પી.એલનો થાક હતો અને એ બધા બહાના છે. હકીકતમાં મનમાં જીત માટેની કોઈ ઈચ્છા જ ન હોય તેવું લાગતું હતું.
ભારતીય ટીમ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝના લાંબા પ્રવાસે જઈ રહી છે. જ્યાં બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને ચાર ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમશે. આ દરમિયાન ટેસ્ટ સીરિઝમાં રોહિત જ ટીમનો કેપ્ટન રહેશે તેવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતની સતત બીજી હાર બાદ અનુભવી ખેલાડીઓ ચેતેશ્વર પુજારા અને ઉમેશ યાદવને બે ટેસ્ટ મેચની શ્રેણી માટે આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરનારી ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. પસંદગી સમિતિ આગામી મુશ્કેલ સમય માટે ખેલાડીઓની આગામી પેઢીને તૈયાર કરવા માંગે છે. આવી સ્થિતિમાં પુજારા અને ઉમેશના સ્થાને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ઝડપી બોલર મુકેશ કુમારને ધ્યાનમાં લેવા જોઈએ.
શિવ સુંદર દાસની આગેવાની હેઠળની પસંદગી સમિતિ અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આગામી સીઝનમાં જતા પહેલા કેટલાક વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે, જે કેરેબિયનમાં શ્રેણી સાથે શરૂ થવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે પુજારા અને ઉમેશ આ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં બે નબળી કડી સાબિત થયા છે, જેઓ લાંબા સમયથી ઘણું કરવામાં નિષ્ફળ રહ્યા છે.
બીસીસીઆઈએ હવે યુવા અને અનુભવ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની જરૂર છે. આ વિચાર લાંબા ગાળાનો હોવો જોઈએ. યશસ્વી જયસ્વાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર છે. તેણે રણજી, ઈરાની અને દુલીપ ટ્રોફીમાં બેવડી સદી ફટકારી છે અને આઈ.પી.એલમાં પણ શાનદાર પ્રદર્શાના રહ્યું છે.


આમ જોઈએ તો ગત ડીસેમ્બર પછી બીસીસીઆઈએ બાંગ્લાદેશ સિવાય ટીમ ઇન્ડિયા-એ નો કોઈ પ્રવાસ ગોઠવ્યો ન હતો. અને ટુર શેડ્યુલ વગર જાણી નથી શકાતું કે કોણ ખેલાડી કેટલા પાણીમાં છે. એક સમય હતો જ્યારે ક્રિકેટ બોર્ડ પાસે મયંક અગ્રવાલ, ઋષભ પંત, હનુમા વિહારી, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની સતત આવી ટુર અને શેડો સિરીઝ માટે તૈયાર હતા.જો કોઈ પ્રવાસ ગોઠવાયો હોત તો તેમાંથી પસંદગીની તક મળી શકત.
કે.એલ .રાહુલ સર્જરી બાદ ક્યારે પરત ફરશે તેની તારીખ નક્કી નથી. આ સાથે તે કેપ્ટનશિપનો દાવેદાર પણ નથી. આવી સ્થિતિમાં, સવાલ એ થાય છે કે, શું કેપ્ટન રોહિત શર્મા તેના વર્તમાન ફોર્મ અને ફિટનેસને જોતા, વધુ બે વર્ષ ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને આગામી ટેસ્ટ સાયકલ પૂર્ણ કરશે, જ્યારે તે ત્યાં સુધીમાં લગભગ ૩૮ વર્ષનો થઈ જશે.
બીજો પ્રશ્ન એ છે કે જો પુજારાને પડતો મૂકવામાં આવે તો આગામી એક વર્ષમાં વાઇસ-કેપ્ટન તરીકે કોણ વધુ યોગ્ય રહેશે કારણ કે વેસ્ટ ઇન્ડીઝ એક એવી ટેસ્ટ ટીમ છે જેની સામે યુવા ખેલાડી વાઇસ-કેપ્ટન તરીકે સરળતાથી શરૂઆત કરી શકે છે. પૂર્વ પસંદગીકારે કહ્યું- સમસ્યા એ છે કે તમે પુજારાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં તક આપો છો અને જો તે રન બનાવે છે તો તમારે વધુ એક વર્ષ તેની સાથે રહેવું પડશે કારણ કે તે પછી ડિસેમ્બર સુધી કોઈ ટેસ્ટ નથી.


ઘણા ક્રિકેટ નિષ્ણાતો માને છે કે ૨૩ વર્ષીય શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવાનો આ યોગ્ય સમય છે. જો ટીમ મેનેજમેન્ટ આ ભૂમિકા માટે અનુભવી ખેલાડીની શોધમાં છે, તો રવિન્દ્ર જાડેજા જેવો તમામ ફોર્મેટનો ખેલાડી યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે. જો કે પસંદગીકારો માને છે કે રવિચંદ્રન અશ્વિન જેવો ખેલાડી પણ આ રોલ માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે. આ સિવાય અજિંક્ય રહાણે પણ યોગ્ય પસંદગી બની શકે છે.
ટી-૨૦ ઇન્ટરનેશનલ એક એવું ફોર્મેટ છે જ્યાં ટીમની પસંદગીની વાત આવે ત્યારે પસંદગીકારો પાસે વિકલ્પોની કોઈ કમી નહીં હોય. આગામી વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા કેપ્ટન રહેશે તે લગભગ નિશ્ચિત છે. આઈઙ્કીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટી-૨૦ ઈન્ટરનેશનલ ટીમમાં તક મળી શકે છે. આમાં રિંકુ સિંહ અને જીતેશ શર્મા જેવા ખેલાડીઓને સ્થાન મળવાનું લગભગ નિશ્ચિત છે.
​​​​​​​
ટીમમાં ઋતુરાજ ગાયકવાડની વાપસીથી જયસ્વાલને તક મળી શકે છે. આઈઙ્કીએલમાં ૨૭ વિકેટ લેનાર મોહિત શર્મા પણ ટીમમાં વાપસી કરી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓને ટી-૨૦માં આરામ આપવામાં આવી શકે છે. તે જ સમયે, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવી શકે છે. અલીગઢના રિંકુ સિંહે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા ગુજરાત સામે છેલ્લી ઓવરમાં પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારી હતી.
ટૂંકમાં અત્યારે ભારતીય ક્રિકેટ એક એવા સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે કે જ્યાં ધરમૂળથી ફેરફાર આવશ્યક જણાઈ રહ્યા છે. જો પસંદગીકારો પ્રાંતવાદમાં પડ્યા વગર ખેલાડીઓની ક્ષમતા જોઇને પસંદ્દગી કરશે તો ભારત વધુ સારું પ્રદર્શન કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application