રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં આવેલી રાજકોટ શહેરની ૧૦૦ વર્ષ જૂની મુખ્ય બજાર લાખાજીરાજ માર્ગ ઉપર પાથરણાવાળા ફેરિયાઓ તેમજ લારી ગલ્લા ધારકોના બેફામ દબાણોને કારણે દુકાનદાર વેપારીઓ વેપાર કરી શકતા ન હોય તેમજ ગ્રાહકો દુકાનમાં પ્રવેશી શકતા ન હોય કે તેમનું વાહન પણ પાર્ક કરી શકતા ન હોય આ મામલે આજે બપોર સુધી લાખાજીરાજ રોડની ૪૦૦થી વધુ દુકાનો અને શો રૂમ સજ્જડ બંધ રાખીને તમામ વેપારીઓએ સાંગણવા ચોકમાં ધરણા કરતા ધારાસભ્યો રમેશભાઇ ટીલાળા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે સહિતના વેપારીઓને મળવા દોડી ગયા હતા અને પ્રશ્ન ઉકેલવા યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપતા કમિશનરને રજૂઆત બાદ બજાર ખુલી હતી.
લાખાજીરાજ રોડ મર્ચન્ટ એસોસિએશનના નેજા હેઠળ અપાયેલા બંધનું એલાન સફળ રહ્યું હતું અને સમગ્ર બજાર સજ્જડ બંધ રહી હતી, વેપારીઓએ ધરણા કર્યા હતા ત્યારબાદ ધારાસભ્યોની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને ઉગ્ર રજૂઆત કરી હતી, દરમિયાન કમિશનરે વેપારીઓની હાજરીમાં જ દબાણ હટાવ અધિકારી કેપ્ટન પરબત બારિયાને બોલાવી તાત્કાલિક દબાણો હટાવવા આદેશ કર્યો હતો. સાથે જ વેપારીઓને પણ ટકોર કરી હતી કે દબાણો હટાવવાની કાર્યવાહી અંતર્ગત પાથરણા વાળા ફેરિયાઓ અને લારી ગલ્લા ધારકોના દબાણોની સાથે વેપારીઓએ ફૂટપાથ ઉપર કરેલા દબાણો પણ દૂર થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીઓએ દબાણ હટાવ બ્રાન્ચના સ્ટાફ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા અને ફેરિયાઓ પાસેથી પૈસા લઈને રોડ ઉપર બેસવા દેતા હોવાનું જણાવ્યું હતું.
આ મામલે પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી તેમજ બજારમાં કાયમી પોલીસ બંદોબસ્ત મૂકવા પણ માંગ કરાઈ હતી.
વેપારીઓ સાચા છે, અન્ય બજારમાંથી પણ દબાણો હટાવો: ધારાસભ્ય ટીલાળા
રાજકોટ મહાપાલિકાની કમિશનર બ્રાન્ચ ખાતે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં દક્ષિણ રાજકોટના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે આજે અમે લાખાજીરાજ રોડની વિઝિટ કરી હતી વેપારીઓ સાચા છે ફ્ક્ત લાખાજીરાજ રોડ જ નહીં પરંતુ આજુ બાજુની બજારોમાંથી પણ દબાણો હટાવો તેમજ ફેરિયાઓની રોજીરોટી ન છીનવાય તે માટે તેમને પણ બેસવા માટે અલાયદી જગ્યા ફાળવો તેવી કમિશનરને રજૂઆત કરી છે.
વેપારીઓની સાથે છીએ, મનપા ત્વરિત દબાણ હટાવે: ધારાસભ્ય દર્શિતા શાહ
રાજકોટ મહાપાલિકાની કમિશનર બ્રાન્ચ ખાતે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં પશ્ચિમ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે આજે અમે લાખાજીરાજ રોડની વિઝિટ કરી હતી અને અમે વેપારીઓ સાથે જ છીએ. મહાપાલિકા ત્વરિત દબાણો હટાવે તે બાબતે આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. અગાઉ પણ રજૂઆત કરી હતી ત્યારબાદ દબાણો દૂર થયા હતા પરંતુ હાલ ફરી દબાણો થઇ જતા વેપારીઓ પરેશાન છે.
વેપારીઓનો પ્રશ્ન સાચો, કમિશનર યોગ્ય કરે: ધારાસભ્ય ઉદય કાનગડ
રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ આજે આઉટ ઓફ સિટી હોય તેમણે આજકાલ દૈનિક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વેપારીઓનો પ્રશ્ન સાચો છે અને આ મામલે તેમણે પણ મ્યુનિસિપલ કમિશનરને ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. દબાણો દૂર કરી વેપારીઓનો પ્રશ્ન ઉકેલાય તેમજ ફેરિયાઓને પણ અન્યત્ર જગ્યા ફાળવાય તે માટે કમિશનરને સુચના આપી છે.
વેપારીઓના પ્રશ્ને તાત્કાલિક કાર્યવાહી થશે: શહેર ભાજપ પ્રમુખ માધવ દવે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે પણ આજે મહાપાલિકા કચેરીએ આવી પહોંચ્યા હતા અને તેમણે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વેપારીઓ સાથે છે અને દબાણોના પ્રશ્ને ત્વરિત કાર્યવાહી થશે. આ પ્રશ્ને કમિશનરને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.
વેપારીઓ એકતા જાળવી રાખે તો દબાણ હટશે: કોર્પોરેટર નેહલ શુક્લની સ્પષ્ટ વાત
દબાણો પ્રશ્ને કોર્પોરેટર નેહલ શુક્લ પણ કમિશનરને રજુઆત કરવા આવ્યા હતા. નેહલ શુક્લએ કમિશનરને રજૂઆત કરી હતી સાથે જ વેપારીઓને પણ કહ્યું હતું કે વેપારીઓ એકતા જાળવી રાખે તો જ દબાણો હટશે. કમિશનર બ્રાન્ચ ખાતે આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં નેહલ શુક્લએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે દબાણો હટાવવા કમિશનરને રજૂઆત કરી છે.